કલવામાં ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેની ટ્રેનસેવા ખોરવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં મધ્ય રેલવેની મેઈન લાઈનમાં ઓવરહેડ વાયર તૂટવાને કારણે લોકલની ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી. મધ્ય રેલવેના કલવા સ્ટેશને ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેનસેવા ખોરવાઈ હતી, જેને કારણે પીક અવર્સમાં લોકલ ટ્રેનોમાં પ્રવાસીઓની ભયંકર ભીડ જોવા મળી હતી.
આ અંગે અધિકારીએ કહ્મયું હતું કે ધ્ય રેલવેમાં કલવા સ્ટેશને ડાઉન ફાસ્ટ લાઈનમાં ઓવરહેડ ઈક્વિપમેન્ટ (ઓએચઈ) તૂટ્યા પછી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી. કલવા રેલવે સ્ટેશને ઓવરહેડ વાયરમાં બપોરના ૨.૩૩ વાગ્યે ખામી સર્જાઈ હતી, તેથી ડાઉન લાઈનની ટ્રેનસેવા પર અસર પડી હતી. ડાઉન લાઈનમાં
લોકલ ટ્રેનસેવાને ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરી હતી, પરંતુ ટ્રેનો બપોરથી લઈને સાંજ સુધી મોડી દોડતી રહી હતી.
કલવા સ્ટેશને ઓવરહેડ વાયર તૂટવાને કારણે એક લોકલ ટ્રેન અને દાદર-બલિયા એક્સપ્રેસને રોકવાની નોબત આવી હતી. ઓવરહેડ વાયર તૂટવાને કારણે મરમ્મત કામકાજ ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું. ૫.૧૫ વાગ્યાના સુમારે ફાસ્ટ કોરિડોરમાં ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી., એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
વાતાવરણમાં પલટો થયા પછી મધ્ય રેલવેમાં રોજ ટ્રેનો પંદરથી ૩૦ મિનિટ તો ક્યારેક કલાકો સુધી ટ્રેનો મોડી દોડતી રહે છે, પરિણામે પીક અવર્સમાં ટ્રેનોમાં જોરદાર ભીડ વધી જાય છે. આ મુદ્દે રેલવે એનાઉન્સ પણ કરતી નથી, તેથી લોકોની હાલાકી વધી છે, એમ કલ્યાણના પ્રવાસી સુનિલ પાંડેએ જણાવ્યું હતું.