મધ્ય રેલવેમાં ટ્રાન્સ હાર્બર અને મેઈન લાઈનમાં લોકલ ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓ હેરાન…
લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતા પ્રવાસીઓએ વ્યક્ત કરી નારાજગી

મુંબઈઃ ઉપનગરીય ટ્રેનોને મુંબઈની કરોડરજ્જુ માનવામાં આવે છે. શુક્રવારે પીક અવર્સ દરમ્યાન મધ્ય રેલવેની ટ્રાન્સ-હાર્બર લાઇન અને મુખ્ય લાઇનનો ઉપયોગ કરતા હજારો મુસાફરો હેરાન થયા હતા. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA)ના થાણે અને ઐરોલી વચ્ચેના પુલમાં ટેકનિકલ ખામી સર્જાતા થાણે અને નવી મુંબઈ વચ્ચેના રૂટ પરની બધી ઉપનગરીય સેવાઓ અચાનક સ્થગિત કરવામાં આવી હતી. જેના કારણે હજારો મુસાફરો સ્ટેશન પર ફસાઈ ગયા હતા.
અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે મુખ્ય લાઇન પરની ટ્રેનો 30 મિનિટથી વધુ મોડી પડી હતી. જયારે નવી મુંબઈ અને થાણેને જોડતી ટ્રાન્સ-હાર્બર લાઇન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. સલામતી તપાસ અને માળખાકીય નિષ્ણાતોની મંજૂરી પછી જ સેવાઓ ફરી શરૂ કરવાની હતી, જે 10 વાગ્યા સુધી થઇ શક્યું નહીં. ત્યાર બાદ પણ દિવસભર લોકલ ટ્રેનો મોડી દોડતી રહી હતી.
આ રૂટ પર અચાનક બધી ઉપનગરીય સેવાઓ બંધ કરી દેવામાં આવતા મુસાફરોએ તેમના કાર્યસ્થળો સુધી પહોંચવા માટે બસો અને કાર સહિત અન્ય પરિવહનનો સહારો લેવો પડ્યો હતો જેના કારણે લોકોને ઓફિસ પહોંચવામાં મુશ્કેલી પડી હતી, એમ મુસાફરોએ જણાવ્યું હતું. નિયમિતપણે વાશીથી મુસાફરી કરતા હર્ષલ જોશી નામના મુસાફરે કહ્યું કે તેમને એપ પર કોઈ માહિતી મળી નહોતી. સ્ટેશન પર લગભગ એક કલાક રાહ જોયા બાદ તેમને સેવાઓ બંધ થયાની જાણ થઇ હતી.
સેન્ટ્રલ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીને દૂર કરવા માટે સાવચેતીના પગલા રૂપે સવારે 7.10 વાગ્યાથી રેલ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે એમએમઆરડીએએ ઐરોલી અને થાણે વચ્ચે ગર્ડર બેસાડવા માટે રાત્રે 1 થી 4 વાગ્યા સુધી બ્લોક રાખ્યો હતો. જોકે, પાછળથી ખબર પડી કે જે ગર્ડર બેસાડવામાં આવ્યા હતા તે નમેલા હતા, પરિણામે કામ કરવામાં વિલંબ થયો હતો, પરંતુ દસ વાગ્યા પછી ટ્રેનસેવા રાબેતા મુજબ શરુ કરી હતી.
ટ્રાન્સ હાર્બર જ નહીં, પરંતુ મધ્ય રેલવેની મેઈન લાઈનમાં લોકલ ટ્રેનો અડધોથો પોણો કલાક મોડી દોડતી હતી. બપોરના નોન-પિક અવર્સ વખતે લોકલ ટ્રેન અડધો કલાકથી વધુ મોડી દોડતી હતી. સ્લો કોરિડોરમાં અડધો અડધો કલાક પછી ટ્રેન આવતી હોવાથી મોટા ભાગની ટ્રેનો પ્રવાસીઓથી ખીચોખીચ રહેવાથી સિનિયર સિટિઝન પ્રવાસીઓને હાલાકી પડી હતી.
આપણ વાંચો : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કર્યું મુંબઈ મેટ્રો લાઇન 3 ફેઝ 2-અ (બીકેસીથી આચાર્ય અત્રે ચોક)નું ઉદ્ઘાટન