સેન્ડહર્સ્ટ રોડ ટ્રેન અકસ્માતઃ મુંબઈગરાઓનો આક્રોશ, જવાબદાર લોકો સામે કડક પગલાં લો…

પ્રશાસન વિરુદ્ધ પ્રવાસી સંગઠન, એક્ટિવિસ્ટ અને પ્રવાસીઓનો સોશિયલ મીડિયા પર આક્રોશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની ટક્કરમાં ચાર પ્રવાસી ગંભીર ઘવાયા હતા, જેમાં બેનાં મોત થયા હતા, પરંતુ આ અકસ્માત પછી રેલવેએ જાણે મૌન જાળવી લીધું છે. આ અકસ્માતનું કારણ રેલવે કર્મચારીઓ હતા, કારણ કે આ જ કર્મચારીઓએ આંદોલન કરીને ટ્રેનોને રોકી દીધી હતી. લોકલ ટ્રેનસેવા ઠપ થવાને કારણે સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક પ્રવાસીઓ ટ્રેક પર ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે ટ્રેનની ટક્કરનો ભોગ બન્યા હતા, પરંતુ મુંબઈ સબર્બન રેલવેમાં છાશવારે લોકલ ટ્રેન ખોટકાય અને ટ્રેનો મોડી પડવાને કારણે અંધાધૂંધી સર્જાય છે, પણ વાસ્તવમાં જવાબદારી અંગે રેલવે હંમેશાં હાથ ખંખેરી લેતી હોય છે, પણ નિર્દોષ પ્રવાસીઓના જીવનના મૂલ્યનું શું?
મુમ્બ્રા પછી સેન્ડહર્સ્ટ સ્ટેશને લેવાયો ભોગ
નવમી જૂનમાં મુમ્બ્રામાં થયેલા અકસ્માતની તપાસનો રેલો કર્મચારીઓ પર આવ્યા પછી ટ્રેન રોકી દેવાની કર્મચારીઓની કેટલી હિંમત કે લાખો પ્રવાસીઓના જીવ થંભાવી દેવાનું ષડયંત્ર કે બીજું કંઈ. ગુરુવારે સાંજના 5.50 વાગ્યાથી 6.45 વાગ્યા સુધી ટ્રેનને રોકી દઈને કર્મચારીઓએ બેજવાબદારભર્યું પગલું ભર્યું તેના માટે જવાબદાર લોકો સામે પગલાં ભરવામાં આવશે કે નહીં એનો સૌને સવાલ છે. મુમ્બ્રા હોય કે સેન્ડહર્સ્ટ રોડ ખાતેના અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓની વેલ્યુ કંઈ જ નથી. દોષીઓને છાવરવા માટે હડતાળનો આશરો લેવાનું કેટલું યોગ્ય છે. આ બાબત અંગે સોશિયલ મીડિયા પર પ્રવાસીઓની સાથે રેલવે પ્રવાસી સંગઠને સમગ્ર મુદ્દાને વખોડી નાખ્યો હતો.
જવાબદાર લોકો સામે કાર્યવાહી કરો
આ અકસ્માત અંગે રેલવે એક્ટિવિસ્ટ સમીર ઝવેરીએ મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશને જે અકસ્માત થયો તેના માટે રેલવેએ જવાબદાર તત્ત્વો વિરુદ્ધ કાનૂની પગલાં ભરવા જોઈએ. આંદોલન કરનારા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એટલું નહીં હડતાળનું આયોજન કરનારાને નોકરીમાંથી બરતરફ કરવા સુદ્ધા કાર્યવાહી કરવી જોઈએ. ટ્રેન ઓપરેશનને રોકનારા કર્મચારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવો જોઈએ. રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જોઈને અચૂક કાર્યવાહી કરવી જોઈએ, એમ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.
યુનિયન સામે પગલાં ભરવા જરુરી
રેલ યાત્રી પરિષદ ઓલ ઈન્ડિયા સિટીઝન ટ્રાન્સપોર્ટ કમિટીના મંત્રી સુભાષ ગુપ્તાએ કહ્યું હતું કે રેલવે અકસ્માત માટે જવાબદાર રેલવે યુનિયન જ કહી શકાય. રેલવે યુનિયને કોઈ પણ સૂચના કે અલ્ટિમેટમ આપ્યા વિના આંદોલન કર્યું એ વાસ્તવમાં પગલું બિનજવાબદાર હતું, જેનાથી લોકલ ટ્રેનસેવા ઠપ થઈ હતી અને એના પછી અંધાધૂંધી સર્જાઈ એના માટે ફક્ત જવાબદાર સંગઠન જ ગણાય.

અકસ્માતની તપાસ નિવૃત્ત જજ દ્વારા થવી જોઈએ
મુંબઈ ઉપનગર રેલવે પ્રવાસી એકતા સંસ્થા (મહાસંઘ)ના પ્રમુખ લતા અરગડેએ મધ્ય રેલવેના જનરલ મેનેજરને મુમ્બ્રા રેલવે અકસ્માતની તપાસ નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળ કરવાની માગણી કરી હતી. દરમિયાન સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનના અકસ્માત માટે જવાબદાર તત્વો સામે કડક પગલાં ભરવાનો અનુરોધ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર પ્રશાસન વિરુદ્ધ યૂઝર્સે નારાજગી વ્યક્ત કરી
એડવોકેટ કંચન ગનસાનીએ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીકના અકસ્માત અંગે પ્રશાસન વિરુદ્ધ જોરદાર નારાજગી વ્યક્ત કરી હતી. રેલવે કર્મચારીઓની મનમાની અને ગેરવર્તણૂકને ચલાવી લેવા બદલ ડીઆરએમ અને જનરલ મેનેજરે જવાબદારી સ્વીકારવી જોઈએ. આ નિષ્ફળતા બદલ જનરલ મેનેજરે રાજીનામું આપવું જોઈએ એવી એક્સ પર ટવિટ પણ લખી હતી. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે મોડી રાતના પ્રવાસીઓને અગવડ પડે નહીં એ રીતે હડતાળ પાડવી જોઈએ. સરકાર સામે વિરોધ હોય તો મંત્રાલય સામે વિરોધ પ્રદર્શન કરવું જોઈએ, પરંતુ નિર્દોષ પ્રવાસીઓના ભોગે આ પ્રકારના હિન કક્ષાના પ્રદર્શનો કઈ રીતે ચલાવી લેવાય?
એસી લોકલને દરવાજા ચાલુ રાખીને દોડાવાઈ
રેલ રોકો કર્યા પછી ટ્રેન ચાલુ કરવામાં આવી હતી, પરંતુ બે-ત્રણ કલાકમાં તો 30 ટ્રેન રદ કરવામાં આવી હતી. લોકલ ટ્રેનમાં એટલી બધી ભીડ હતી કે પ્રવાસીઓ દરવાજે લટકીને પ્રવાસ કરવાની નોબત આવી હતી. એસી લોકલના ઓટોમેટિક ડોર હોવા છતાં ટ્રેનના દરવાજા ચાલુ રાખીને ભાયખલા-દાદરથી થાણે સુધી ટ્રેન દોડાવવામાં આવી હતી. એ દૃશ્ય સાચે જ મુંબઈ લોકલ ટ્રેન માટે બિહામણું હતું. આ મુદ્દે રેલવે જ નહીં, પરંતુ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે મહત્ત્વના પગલાં ભરવા જરુરી છે, એમ એક એક્ટિવિસ્ટે જણાવ્યું હતું. અહીં એ જણાવવાનું કે મધ્ય અને પશ્ચિમ રેલવેમાં રોજના 3,300થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જ્યારે દૈનિક 70 લાખથી વધુ પ્રવાસી પ્રવાસ કરે છે, પરંતુ છાશવારે ટ્રેન ખોટકાતા સામાન્ય પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં હાલાકી પડે છે એ બાબતની રેલવેએ અવગણના કરવાનું ભવિષ્યમાં ભારે પડી શકે છે.
મધ્ય રેલવેએ શું કહ્યું?
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે હાલના તબક્કે કોર્ટની મેટર હોવાથી કોઈ અધિકારી વધુ કહી શકે નહીં. બાકી આંદોલન યા પ્રદર્શન કરવા માટે સીએસએમટીની લોબીમાં મંજૂરી આપવામાં આવતી નથી. લોકલ ટ્રેનની ઓપરેશન કામગીરીને નહીં અટકાવવા માટે પણ અમે સંગઠનને વારંવાર અપીલ કરતા હોઈએ છીએ. ટ્રેન ઓપરેશનને રોકવા બદલ સેન્ટ્રલ રેલવેએ ડિવિઝન પાસેથી વિગતવાર રિપોર્ટ પણ માગ્યો છે, ત્યારબાદ સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
રેલવે પોલીસ શું કરશે?
સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના આસિસ્ટંટ પોલીસ કમિશનર (એસીપી) દ્વારા તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સીએસએમટીમાં આંદોલન કર્યા પછી ટ્રેનસેવા રોકવામાં આવ્યા પછી લગભગ એક કલાક ટ્રેન બંધ રહી હતી, ત્યાર બાદ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશને ટ્રેન અકસ્માતમાં બે જણના મોત થયા હતા. આ અકસ્માત અંગે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવશે. ગુરુવારે એનઆરયુએમ અને સીઆરએમએસ એમ બે સંગઠને રેલ કર્મચારી સામેની કાર્યવાહી બદલ આંદોલન કરીને ટ્રેન રોકી હતી.
રેલવે યુનિયને શું કર્યો દાવો
સીઆરએમએસ (સેન્ટ્રલ રેલવે મજદૂર યુનિયન)એ કહ્યું હતું કે ગુરુવારનું આંદોલન સ્વયંસ્ફુરિત હતું. પણ આ આંદોલન વખતે કર્મચારીઓએ પ્રવાસીઓ કે મોટરમેનને અટકાવ્યા નહોતા. પણ સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન ખાતે જે અકસ્માત થયો એ કમનીસબ છે, પરંતુ આ ટ્રેજડી માટે સંગઠન જવાબદાર નથી.
આ પણ વાંચો…પાડાના વાંકેઃ રેલ કર્મચારીના આંદોલનને કારણે લોકલ ટ્રેન સેવા અટકી, પ્રવાસીઓ રઝળ્યાં
kh



