Good News: મધ્ય રેલવેમાં નવો કોરિડોર બનાવવાની યોજના, ફિલ્ડ સર્વે હાથ ધરાયો…

મુંબઈઃ મધ્ય રેલવેમાં દાદર સ્ટેશન પર ભીડને ઓછી કરવાના હેતુથી પરેલને ટર્મિનસ બનાવવામાં આવ્યું છે. હવે ઉપનગરીય રેલ્વે નેટવર્કને સુધારવા અને એક નવો કોરિડોર બનાવવાના પ્રયાસ રૂપે મધ્ય રેલવે પરેલ અને કલ્યાણ વચ્ચે પ્રસ્તાવિત સાતમી અને આઠમી રેલવે લાઇનના કામકાજ માટે ફિલ્ડ સર્વે શરૂ કર્યો છે. જો આ યોજના આકાર લેશે તો તેની લંબાઈ આશરે 46 કિલોમીટરની હશે.
આ લાઇનો ભવિષ્ય માટે પરેલ મેગા ટર્મિનસ વિકસાવવા અને લાંબા અંતરની ટ્રેનોને સ્થાનિક ટ્રેનોથી અલગ કરવાની મોટી યોજનાનો એક ભાગ છે, જેથી લાંબા અંતરની વધુ ટ્રેનનો સમાવેશ કરીને ક્ષમતામાં વધારો કરી શકાય. આ પ્રોજેક્ટનો ૧૭ મે, ૨૦૨૪ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
આ વિસ્તરણના મહત્વ પર પ્રકાશ પાડતા એક નિવેદનમાં મધ્ય રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ વધારાની લાઇનો અમારા લાંબા ગાળાના આયોજન માટે મહત્વપૂર્ણ છે. આનાથી માત્ર સારી કનેક્ટિવિટી જ નહીં મળે પણ ભવિષ્યની પરિવહન જરૂરિયાતોને પહોંચી વળવા માટે મુંબઈના રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂતી મળશે.
નોંધનીય છે કે કુર્લા અને પરેલ વચ્ચેના 10.1 કિમીના પટનું બાંધકામ આ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ વિભાગ ખાસ કરીને ભીડ ઓછી કરવા માટે બનાવવામાં આવ્યો છે, જેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી વધુ ટ્રેનો દોડાવી શકાય. આ પ્રોજેક્ટના કુર્લા-પરેલ વિભાગમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
‘ના અધિકારક્ષેત્ર હેઠળ’ની રાજ્યની માલિકીની જમીન રેલ નેટવર્કમાં સામેલ થશે. 2009-10ની વચ્ચે આ પ્રોજેક્ટ માટે નાણાકીય બ્લુપ્રિન્ટ મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ 2B હેઠળ તૈયાર કરવામાં આવી હતી અને 2014 માં 891 કરોડ રૂપિયાના અંદાજિત બજેટ સાથે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, ભીડમાં નોંધપાત્ર રીતે ઘટાડો થશે, જેથી લાખો મુસાફરોને બહેતર મુસાફરીનો અનુભવ મળશે તેવી અપેક્ષા છે. હાલમાં, મધ્ય રેલ્વે 34 કિમીથી વધુના અંતરે ફેલાયેલી 5મી અને 6ઠ્ઠી લાઇન પર કાર્યરત છે. 7મી અને 8મી લાઇનના ઉમેરાથી નેટવર્કની કાર્યક્ષમતામાં વધારો થશે.
આપણ વાંચો : મુંબઈ મેટ્રો-ચાર અને 4A અંગે જાણો મહત્ત્વની અપડેટ, સ્ટેશનોને એફઓબીથી જોડાશે…



