અઠવાડિયાના પહેલા દિવસે મોકાણઃ ઓવરહેડ વાયર તૂટતા મધ્ય રેલવેના પ્રવાસીઓના બેહાલ

મુંબઈ: મધ્ય રેલવેમાં લોકલ ટ્રેનો ખોટકાઇ જવાની ઘટના હવે સામાન્ય થઇ ગઇ છે. દર બે-ત્રણ દિવસમાં લોકલ સંબંધિત સમસ્યા સર્જાય તો જ નવાઇ. એવામાં રવિવારે બ્લોક દરમિયાન તો હાલત સૌથી વધુ ખરાબ હોય છે. ઘણી લોકલ રદ કરવામાં આવતી હોય છે અને મોડી પણ ઘણી હોય છે, પરંતુ પ્રવાસીઓ પાસે આવી હાલાકી સહન કરવા સિવાય કોઇ પર્યાય રહેતો નથી ત્યારે સોમવારે અઠવાડિયાની શરૂઆતમાં જ ફરી મધ્ય રેલવેમાં ધાંધિયા જોવા મળ્યા હતા. ડોંબિવલી નજીક ઓવરહેડ વાયરમાં ખામી સર્જાતા લોકલ સેવા પ્રભાવિત થઇ હતી.


ડોંબિવલી નજીક સોમવારે બપોરે ૨.૫૦ કલાકે ઓવરહેડ વાયર (ઓએચઈ) તૂટી પડ્યો હતો. ઓવરહેડ વાયર તૂટવાને કારણે કોઇ મોટો વિસ્ફોટ થયો હોય એવો અવાજ આવ્યો હતો, તેથી ટ્રેન વચ્ચે જગ્યા પર જ ઊભી રહી ગઇ હતી, પરિણામે અનેક પ્રવાસીઓ રેલવે ટ્રેક પરથી નજીકના સ્ટેશન પહોંચ્યા હતા.
આ પણ વાંચો : બેડ ન્યૂઝઃ ગણેશોત્સવમાં કોંકણ તરફ જનારી ટ્રેનો ફુલ, વિશેષ ટ્રેનો દોડાવાશે શક્યતા
પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ટ્રેનોમાંથી કૂદીને ટ્રેક પરથી દોડવા લાગ્યા. જેને જ્યાં માર્ગ દેખાયો ત્યાં દોડતા થયા. લોકલ ટ્રેન અટકી પડવાને કારણે પાછળથી આવતી ટ્રેનોનું બંચિંગ થઇ ગયું હતું.
ભારે વરસાદ વચ્ચે પણ ટ્રેનસેવા ખોરવાતા નોન-પીક અવર્સમાં ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી. પ્રવાસીઓએ સોશિયલ મીડિયા પર રેલવેની ઝાટકણી કાઢી હતી. કલ્યાણ સ્ટેશન, ઠાકુર્લી, ડોંબિવલી, થાણે સહિત અન્ય સ્ટેશને ટ્રેનસેવા ખોરવાતા પ્રવાસીઓએ રેલવે તરફ નારાજગી વ્યક્ત કરી હતી