નવા ‘ટાઈમ ટેબલ’ પછી પણ મધ્ય રેલવેમાં ‘ધાંધિયા’ અવિરતઃ પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત નહીં…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પાંચમી ઓક્ટોબરથી મધ્ય રેલવેમાં નવું ટાઈમ ટેબલ અમલી બન્યા પછી પ્રવાસીઓની મુશ્કેલી ઘટી નથી, પરંતુ વધી છે. રોજના લોકલ ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડવાની સાથે અનેક ટ્રેનો રદ કરવાનું પ્રમાણ ચાલુ હોવાથી પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં નાકે દમ આવી રહ્યો છે. આ મુદ્દે રેલવે જાહેરાત પણ નહીં કરતા પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી રહી છે. મધ્ય રેલવેમાં વહેલી સવારે કોપર અને બપોરે માટુંગા-સાયનની વચ્ચે ટેક્નિકલ ખામીને કારણે ટ્રેનની સર્વિસ પર અસર થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આજે વહેલી સવારના કોપરમાં ઓવરહેડ વાયર (ઓએચઈ)માં ખામી સર્જાવવાને કારણે ટ્રેન સર્વિસને અસર પડી હતી. દીવા અને કોપર વચ્ચે ડાઉન લાઈનમાં ઓવરહેડ વાયર તૂટવાને કારણે સ્લો કોરિડોરની ટ્રેનસેવા સ્થગિત થઈ હતી. રાતના 3.10 વાગ્યાના સુમારે ઓવરહેડ વાયર તૂટ્યો હતો. ત્યારબાદ તાકીદે મેઈન્ટેનન્સ કામ હાથ ધરવામાં આવ્યું હતું. આમ છતાં તેની અસર પીક અવર સાથે નોન-પીક અવર પર જોવા મળી હતી, ત્યાર બાદ બપોરના સાયન-માટુંગા વચ્ચે સ્પેશિયલ બ્લોકને કારણે નોન-પીક અવર્સમાં ટ્રેનસેવા પર અસર પડી હતી, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
નવા ટાઈમટેબલ પછી મધ્ય રેલવેમાં સૌથી મોટો ફેરફાર દાદરથી નવી ટ્રેનની સર્વિસ વધારી છે, જેનાથી દાદરથી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓની સુવિધા વધી છે, પરંતુ મુંબઈ, ભાયખલા સુધી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓનું શું. વગર વિચારે રેલવેએ ટાઈમટેબલ અમલી બનાવ્યા પછી પ્રવાસીઓની મુશ્કેલી વધી છે, પરંતુ એના અંગે રેલવે હરફસુદ્ધા ઉચ્ચારતું નથી, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
મધ્ય રેલવેમાં નવા ટાઈમટેબલમાં સુધારો કરવામાં આવ્યા પછી અનેક નવી ટ્રેનની સર્વિસ વધારવાની અપેક્ષા હતી, પરંતુ દાદરથી નવી ટ્રેનો શરુ કરવાને કારણે સીએસએમટીથી ટ્રાવેલ કરનારા પ્રવાસીઓની હાલાકી વધી છે, એમ કલ્યાણના રહેવાસીએ જણાવ્યું હતું.