નવમી ડિસેમ્બરથી મધ્ય રેલવેના આ મુખ્ય સ્ટેશન પર થશે કેટલાક મહત્વના ફેરબદલ, જાણી લેજો તો ફાયદામાં રહેશો…
મુંબઈ: યાત્રીગણ કૃપયા ધ્યાન દે, CSMT સે અંબરનાથ જાનેવાલી ધીમી લોકલ પ્લેટફોર્મ નં. 1 કે બજાય પ્લેટફોર્મ નં. 8સે રવાના હોગી… મધ્ય રેલવે પર નવમી ડિસેમ્બરથી આવા પ્રકારની એનાઉન્સમેન્ટ સાંભળવા મળે તો બિલકુલ ચોંકી જવાની જરૂર નથી. મધ્ય રેલવે દ્વારા 9મી ડિસેમ્બરથી દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરનું રિનમ્બરિંગ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
મળી રહેલી માહિતી પ્રમાણે મુંબઈના રેલવે નેટવર્ક પર દાદર એ એક એવું રેલવે સ્ટેશન છે કે જે મધ્ય અને પશ્ચિમ રેલવેને જોડવાનું કામ કરે છે. બે લાઇનના એક જ સ્ટેશન પણ એક જ નંબરના બે બે પ્લેટફોર્મ હોવાથી પ્રવાસીઓ ઘણી વખત મૂંઝવણમાં મુકાઈ જાય છે અને એમાં પણ બહારગામથી આવનારા પ્રવાસીઓ સાથે તો આવું ખાસ બને છે. પરિણામે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને મધ્ય રેલવે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે. મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે મધ્ય રેલવેના પ્લેટફોર્મ નંબર 1નું એક્સ્ટેન્શનનું કામકાજ અંતિમ તબક્કામાં છે અને તેને કારણે પ્લેટફોર્મ નંબર 2 કમિશનમાં નહીં હોય.
જેને કારણે પ્લેટફોર્મ નંબર 1 9મી ડિસેમ્બરથી પ્લેટફોર્મ નંબર 8, પ્લેટફોર્મ નંબર 3 પ્લેટફોર્મ નંબર 9, પ્લેટફોર્મ નંબર 4 પ્લેટફોર્મ નંબર 10, પ્લેટફોર્મ નંબર 5 પ્લેટફોર્મ નંબર 11, પ્લેટફોર્મ નંબર 6 પ્લેટફોર્મ નંબર 12, પ્લેટફોર્મ નંબર 7 પ્લેટફોર્મ નંબર 13 અને પ્લેટફોર્મ નંબર 8 પ્લેટફોર્મ નંબર 14 થઈ જશે. આને કારણે પ્રવાસીઓની મુશ્કેલીમાં ઘટાડો જોવા મળશે, એવો વિશ્વાસ પણ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
મધ્ય અને પશ્ચિમ રેલવેના દાદર સ્ટેશન પરના એક જેવા જ પ્લેટફોર્મ નંબરને કારણે પ્રવાસીઓ ગોથા ખાઈ જતાં હતાં. પરિણામે હવે પશ્ચિમ રેલવેના પ્લેટફોર્મ નંબર જેમના તેમ રાખીને મધ્ય રેલવેના લોકલ અને મેલ એકસપ્રેસના પ્લેટફોર્મ નંબર બદલવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.