મધ્ય રેલવેમાં બર્નિંગ ટ્રેન: ટ્રેનસેવા પર અસર, કોચ બળીને ખાખ….

મુંબઈ: અત્યાર સુધીમાં ક્યારેય જોવા મળ્યું ન હોય એવું પહેલી વખત મુંબઈ રેલવેમાં જોવા મળ્યું છે. મધ્ય રેલવેની લોકલ ટ્રેન (muck local)માં અચાનક આગ લાગવાને કારણે ટ્રેન્સસેવા અસર પડી હતી. આગને કારણે કોચ બળીને ખાખ થઈ ગયો હતો. રાતના CSMTથી અમુક લોકલ ટ્રેન મોડી ઉપડી હતી, જેથી પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
મધ્ય રેલવેમાં કુર્લા રેલવે સ્ટેશન નજીક ખાલી પાર્ક કરેલી ગાર્બેજ ટ્રેનમાં આગ લાગી હતી. રાતના 8.38 વાગ્યાના સુમારે આગ લાગ્યા પછી ઓવર હેડ વાયરમાં પાવર સપ્લાય બંધ કર્યો હતો. જોકે 10 મિનિટમાં આગ પર નિયત્રંણ મેળવી લેવામાં આવ્યો હતો, પણ આગના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ લોકલ ટ્રેનની સુરક્ષા અંગે સવાલો કર્યાં હતા..
આ મુદ્દે મધ્ય રેલવેએ કહ્યું હતું કે આગને કારણે કોઈ જાનહાનિ થઈ નથી તેમ જ ટ્રેનસેવા પર કોઈ અસર પડી નહીં હોવાનો દાવો કર્યો હતો. ખાલી ગાર્બેજ રેકમાં આગ લાગી હતી, જેમાં કોઈ મોટું નુકસાન થયું નથી. આગ મુદ્દે ફાયર બ્રિગેડ એ કહ્યું હતું કે કુર્લા પ્લેટફોર્મ નંબર પાંચ નજીક એક ખાલી રેકમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો.
ત્યારબાદ 9.19 વાગ્યા સુધીમાં આગ પર નિયત્રંણ મેળવી લેવામાં આવ્યું હતું, જેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આમ છતાં સુરક્ષાના કારણે ઓવર હેડ વાયરમાં પાવર સપ્લાય રોકી દેવામાં આવ્યો હતો, જેથી અમુક ટ્રેન મોડી પડી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ રેલવેની ઝાટકણી કાઢી હતી. કુર્લા વિદ્યાવિહાર સ્ટેશન આસપાસના વિસ્તારમાં કચરાના સામ્રાજય અને એના નિકાલમાં પ્રશાસન દ્વારા દાખવવામાં આવતી બેદરકારી પણ વખોડી નાખી હતી.



