પોલીસ નહીં પણ ટિકિટ ચેકરે મહિલા પ્રવાસીનો કંઇક આ રીતે બચાવ્યો જીવ, વીડિયો વાઇરલ…
મુંબઈ: રેલવેમાં ટ્રેન પકડવાના ચક્કરમાં પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે, જેમાં ક્યારેક મોતને ભેટે છે તો ક્યારેક શારીરિક ખોડખાંપણ પણ રહી જાય છે. તાજેતરમાં એક મહિલા પ્રવાસી ટ્રેનમાંથી સંતુલન ગુમાવતા જીવલેણ અકસ્માતનો ભોગ બની હતી. જોકે એ જ વખતે ટિકિટ ચેકરે હિંમતપૂર્વક મહિલાને ખેંચી લેતા તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. આ બનાવ પુણે રેલવે સ્ટેશને શુક્રવારે બન્યો હતો. પુણે રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નમ્બર ત્રણ ખાતે સીએસએમટી કોલ્હાપુર કોયના એક્સપ્રેસ આવી ત્યારે આ બનાવ બન્યો હતો. ટ્રેન આવી ત્યારે ટ્રેનમાંથી અચાનક એક મહિલા સંતુલન ગુમાવતા પ્લેટફોર્મ પર ફસડાઈ પડી હતી, જે પ્લેટફોર્મ પરથી ટ્રેકમાં જાય એ પહેલા તેને સતર્ક ટીસીએ ખેંચી હતી. આ અંગે રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ડયૂટી પરના હેડ ટીસી રામાવતાર મીના (હેડ ટીસી મુંબઈ ડિવિઝન) એ ટ્રેનમાં ઉતરતા તરત તેને ખેંચી લેવાનો પ્રયાસ કર્યો હતો. ટીસીએ ટ્રેનમાંથી જમ્પ કરીને પોતાનો સામાન પ્લેટ ફોર્મ પર ફેંક્યો હતો અને મહિલાને ટ્રેન અને પ્લેટફોરમની ગેપમાંથી બહાર ખેચી લેવામાં સફળ રહ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : BKCથી બોઈસર અડધી કલાકમાં? Bullet Train કરશે આ કમાલ, જાણો વિગતો
મહિલા પ્રવાસીને સમયસર બહાર ખેંચી લેવામાં મહિલા પ્રવાસીનો જીવ બચી ગયો હતો. મુંબઈ ડિવિઝનના હેડ ટિકિટ ચેકરની સતર્કતાને કારણે મહિલાનો જીવ બચ્યો હોવાની પ્રશાસને નોંધ લીધી હતી અને એની હિંમતપૂર્વકની કામગીરી બદલ પ્રશંસા કરી હતી. દરમિયાન રેલવેએ પણ પ્રવાસીઓને ચાલતી ટ્રેનમાં ઉતરવા અને ચડતી વખતે ખાસ કરીને તકેદારી રાખવાની અપીલ કરી છે. અહી એ જણાવવાનું કે રેલવેમાં પ્રવાસીઓની સુરક્ષા માટે રેલવે પોલીસની રાઉન્ડ ધ કલોક તહેનાત કરવામાં આવે છે, જ્યારે ટિકિટ વિના લોકો ટ્રાવેલ કરે નહિ તેના માટે ખાસ કરીને ટિકિટ ચેકર દ્વારા તપાસ કરવામાં આવે છે પણ પોતાના કાર્યક્ષેત્રથી અલગ રીતે વિચારીને મહિલાનો જીવ બચાવી લેવામાં ટીસીએ નોંધપાત્ર કામગીરી કરી હોવાનું મધ્ય રેલેવના અધિકારીએ જણાવ્યું હતું.