…તો હવે ઘાટ સેક્શનમાં મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડશે સુપરફાસ્ટ, જાણો કારણ
મુંબઈ: મધ્ય રેલવેના કર્જત અને કસારાના ઘાટ સેક્શન મેલ-એક્સપ્રેસ ટ્રેનો માટે આ કોરિડોર સૌથી મહત્વનો છે. આ માર્ગ પર મેલ-એક્સપ્રેસ ટ્રેનોની ઝડપ વધારવાની સાથે લોકલ ટ્રેનો નિયમિત દોડાવાય એના માટે મધ્ય રેલવે દ્વારા કસારા યાર્ડ વિસ્તારવાનો અને કર્જત-પલસદરી ખાતે નવી ચોથી લાઇન નાખી કર્જત યાર્ડના વિસ્તારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
કર્જત-કસારા ખાતે હાથ ધરવામાં આવેલા આ કામમાં કસારા યાર્ડ વિસ્તારવાનું કામ ૭૮ ટકા પૂરું થઈ ગયું છે અને કર્જત-પલસદરી ખાતે ચોથી લાઇન નાખવાનું કામ ૬૦ ટકા જેટલું પૂરું થઈ ગયું છે. આ કામકાજ પૂરા થતાં મધ્ય રેલવેના કર્જત અને કસારાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દરેક ટ્રેનોનો પ્રવાસ ઝડપી બનશે, એવું એક અધિકારીએ જણાવ્યુ હતું.
કસારા યાર્ડ પરિસરના વિસ્તાર માટે ૧૯.૯૯ કરોડ જેટલા ખર્ચનો અંદાજ છે. પ્રસ્તાવિત યાર્ડ માટેનું કામકાજ ૭૮ ટકા પૂરું થયું છે. ઉપરાંત, કસારા યાર્ડની પહેલી, બીજી અને ત્રીજી ડાઉન લાઇનની લંબાઈને ૮૪૪ મીટર સુધી વધારી છે એની સાથે જ પ્લેટફોર્મ નંબર એક અને બેનો વિસ્તાર કરી તેની પહોળાઈ વધારવામાં આવશે અને પ્લેટફોર્મ નંબર ચાર, પાંચ ને છની લંબાઈમાં પણ વધારો કર્યો છે.
કર્જત-પલસદરીના કામકાજ માટે ૯૭.૫૩ કરોડનું બજેટ રાખવામા આવ્યું છે, જેમાં સ્ટેશન અને યાર્ડ પરિસરની લાઇનની લંબાઈ વધારવી અને સાતમી નવી લાઇન નાખવાની સાથે કર્જત-લોનાવલા કોરિડોરમાં કર્જત-ખપોલી માર્ગને અલગ કરવામાં આવશે એની સાથે જ આ સ્ટેશનો પર નવા ફૂટઓવર બ્રિજ પણ બંધવામાં આવી રહ્યા છે