આમચી મુંબઈ

એસી લોકલમાં ટિકિટ વિના મુસાફરી કરનારા સામે રેલવે લાલઘૂમ, મધ્ય રેલવેએ કેટલો વસૂલ્યો દંડ જાણો?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં ગરમીના પારા ઉચકાતો જાય છે. ઠંડી ગાયબ થવાની સાથે મુંબઈગરાઓને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં પ્રવાસીઓને ભીડનો સામનો કરવો પડે છે. વધતી ગરમી વચ્ચે મધ્ય રેલવેમાં એસી લોકલની સર્વિસમાં પણ વધારો થવાના સમાચાર છે. વધતી સર્વિસ વચ્ચે પણ મધ્ય રેલવેએ ટિકિટ ચેકિંગની પ્રક્રિયા વધુ સઘન બનાવી છે, જેમાં નવ મહિનામાં 81,000થી વધુ કેસ નોંધ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: હવે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને મળશે ‘આ’ સુવિધાનો લાભ, જાણી લેશો તો ફાયદામાં રહેશો

પોલીસ અને ટીસીના અભિયાન મારફત ખુદાબક્ષો પર કાર્યવાહી

મુંબઈની એસી લોકલમાં ટ્રાવેલ કરનારાની સંખ્યામાં વધારો થઈ છે ત્યારે એનો રેલવે પ્રશાસને પોલીસ પ્રશાસન સાથે મળીને ટિકિટ ચેકિંગનું અભિયાન સઘન બનાવ્યું છે. મધ્ય રેલવેમાં ટિકિટ ચેકિંગના સઘન અભિયાન અન્વયે એપ્રિલ, 2024થી જાન્યુઆરી 2025 સુધીમાં 81,709 કેસ નોંધાયા હતા. એસી લોકલમાં હાલમાં ભાડામાં ઘટાડો કરવાની કોઈ યોજના નથી, જ્યારે ફર્સ્ટ ક્લાસના પાસધારકોને પણ કોઈ સુવિધા આપવામાં આવી કોઈ શક્યતા નથી, એમ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી.

ઓક્ટોબરમાં સૌથી વધુ ખુદાબક્ષો પકડાયા હતા

એપ્રિલ, 2024થી જાન્યુઆરી 2025 સુધીમાં એસી લોકલમાં ટિકિટ વિના અથવા સાચી ટિકિટ નહીં હોવાના લગભગ 81,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે તેમની પાસેથી રેલવેએ 2.7 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો હતો. જોકે, એના વર્ષ પૂર્વે 35,000 જેટલા કેસ હતા. જાન્યુઆરી મહિનામાં 8,535, ડિસેમ્બરમાં 9,134, નવેમ્બરમાં 9,698 અને ઓક્ટોબરમાં 11,532 કેસ નોંધાયા હતા. ટિકિટ વિના મુસાફરી કરનારા પાસેથી રેલવેએ કુલ 29.56 લાખ, 31.84 લાખ અને 37.45 લાખ રુપિયાનો દંડ વસૂલ્યો હતો, એમ રેલવેએ જણાવ્યું હતું.

સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સિવાય વોટ્સએપ નંબર પર ફરિયાદ કરો

મધ્ય રેલવેની એસી લોકલમાં રેગ્યુલર પ્રવાસી ટ્રાવેલ કરી શકે અને કોઈ તકલીફ પડે નહીં તેના માટે એસી ટાસ્ક ફોર્સ બનાવી છે, જ્યારે વોટસએપ નંબર (7208819987) પણ જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મોર્નિંગ સેશનમાં પણ વિશેષ મોનિટરિંગ કરવામાં આવે છે. અહીં એ જણાવવાનું કે મધ્ય રેલવેમાં રોજની 66 એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જ્યારે આગામી મહિનાથી નવી રેક (એસી ઈએમયુ) મળ્યા પછી સર્વિસ વધી શકે છે. એસી લોકલમાં રોજના 76,000થી વધુ પ્રવાસી ટ્રાવેલ (રેગ્યુલર ટિકિટ/પાસ આધારિત) કરે છે. આ ઉપરાંત, મધ્ય રેલવેના તમામ કોરિડોરમાં રોજના 40 લાખથી વધુ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે 1,810 જેટલી સર્વિસીસ દોડાવાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button