મધ્ય રેલવેમાં ‘ખુદાબક્ષો’ વિરુદ્ધ કાર્યવાહી, જાણો વર્ષમાં કેટલો વસૂલ્યો દંડ?
મુંબઈ: ટ્રેનોમાં વિના ટિકિટે પ્રવાસ કરતાં રોકવા માટે મધ્ય રેલવે દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારાનું પ્રમાણ વધવાથી ટિકિટ લઈને મુસાફરી કરનારાને પરેશાનીમાં વધારા સાથે સરકારની તિજોરીને પણ નુકસાન કરાવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ટિકિટ વિના મુસાફરી કરનારા (ખુદાબક્ષો) સામે કાર્યવાહી કરીને 100 કરોડનો દંડ વસૂલ્યો હોવાનું રેલવેએ જણાવ્યું હતું.
ટિકિટ ચેકિંગના અભિયાન હેઠળ પૂરા થનારા નાણાકીય વર્ષમાં (માત્ર 13 દિવસ પહેલા) 100 કરોડ કરતાં વધુનો દંડ મફતિયા પ્રવાસીઓ (ટિકિટ વિના મુસાફરી કરનારા) પાસેથી વસૂલ કરવામાં આવ્યો છે.
મધ્ય રેલવેએ માત્ર ટિકિટ ચેકિંગ કરીને રૂ. 100 કરોડની કમાણી પ્રાપ્ત કરી છે. આ દંડની રકમમાંથી એકલા મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશન પરથી 2.29 કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે.
નવા વર્ષની શરૂઆતથી જ રેલવે પ્રશાસન પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ કરવા પર ધ્યાન આપી રહ્યું છે. ટિકિટચેકર (ટીસી)ની અનેક ટીમની મદદથી રોજ સ્ટેશન પર ટિકિટ ચેકિંગ કરવામાં આવી રહી છે.
આ બાબતે એક અધિકારીએ કહ્યું હતું કે એક જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી 17.86 લાખ જેટલા પ્રવાસીઓ વગર ટિકિટે પકડાયા હતા. આ સંખ્યા ગયા વર્ષે 17.29 લાખ હતી જેથી આ વર્ષે મફતિયા પ્રવાસીઓની સંખ્યામાં 3.34 ટકાનો વધારો જણાયો છે.
રેલવેની આ ઝુંબેશ હેઠળ મેનલાઇન ટીમે 4,67,108 મફતિયા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી 39.05 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુંબઈના સબર્બ ટીમ દ્વારા 4,82,198 પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી રૂ. 29.56 કરોડ અને સ્ટેશન સ્ટાફ દ્વારા 1,62,765 પ્રવાસીઓ પાસેથી રૂ. 14.14 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.