રેલવે અધિકારીના ઘરેથી મળી આવી કરોડોની રોકડ
ગોરખપુરઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના એક વરિષ્ઠ રેલવે અધિકારીના ઘરેથી 2.61 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે.
મળતી માહિતી મુજબ ઉત્તર પૂર્વ રેલવે, ગોરખપુરના અધિકારી કે.સી. જોશીની મંગળવારે સાંજે કોન્ટ્રાક્ટર પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટરે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) નો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ કરી હતી કે તેની કંપની ઉત્તર પૂર્વ રેલવે (NER) ને ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડે છે અને તેને કરારના આધારે ત્રણ ટ્રક સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, જેના માટે તેને મહિને 80,000 રૂપિયા મળવાના હતા. કોન્ટ્રાક્ટરે આરોપ લગાવ્યો હતો કે જોશી સરકારી ઈ-માર્કેટપ્લેસ (GeM) વેબસાઈટ પરથી તેની ફર્મનું રજિસ્ટ્રેશન રદ કરવાની અને તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવાની ધમકી આપીને 7 લાખ રૂપિયાની લાંચ માંગી રહ્યો હતો.
અધિકારી વિરુદ્ધ ફરિયાદ મળ્યા બાદ , CBIએ મંગળવારે છટકું ગોઠવ્યું હતું અને ફરિયાદી પાસેથી લાંચ લેતા આરોપી જોશીને રંગે હાથે પકડી લીધો હતો. આ પછી સીબીઆઈએ ગોરખપુર અને નોઈડામાં આરોપી રેલવે અધિકારી કે.સી. જોશીના રહેણાંક મકાનોની તપાસ કરી હતી અને તેના ઘરમાંથી 2.61 કરોડ રૂપિયા રિકવર કર્યા હતા.
સીબીઆઇ અધિકારીઓએ આરોપીનો મોબાઇલ ફોન, ફાઇલો અને હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આરોપી રેલવે અધિકારીને લખનઊ લાવવામાં આવ્યો છે. તેની પૂછપરછ જારી છે. તપાસમાં આરોપીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેને સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઇ આરોપીને રિમાન્ડ પર લેવાની તૈયારી કરી રહી છે