સાવધાન, મુંબઈગરા પ્રદૂષણના ભરડામાં: પાંચમાથી ચાર પરિવાર બીમાર
મુંબઈ: મહાનગરમાં વાયુ પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. શિયાળાના આગમન સાથે હવાની ગુણવત્તામાં વધુ ઘટાડો થવાની ધારણા છે. પ્રદૂષણને કારણે થતી આરોગ્ય સમસ્યાઓ અંગે કરવામાં આવેલ સર્વેક્ષણમાં 7,000 મુંબઈગરામાંથી 78 ટકાએ ગળું ખરાબ થવા અને ઉધરસની ફરિયાદ કરી હતી. જ્યારે 44 ટકા લોકોએ આંખોમાં બળતરા, 39 ટકાએ વહેતું નાક અને હાર્ટબર્ન, 28 ટકાએ શ્વાસ લેવામાં તકલીફ, 22 ટકાએ અનિદ્રા અને 17 ટકાએ માથાના દુખાવાની ફરિયાદ કરી હતી.
મુંબઈમાં ઠેરઠેર મેટ્રો રેલનું કામ ચાલી રહ્યું છે. પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે બાંધકામ સ્થળે જરૂરી પગલાં ન લેવાના કારણે બાંધકામની ધૂળ હવામાં ફેલાઈ રહી છે. મુંબઈના કોલાબા, ચેમ્બુર અને બીકેસીમાં હવાની ગુણવત્તા `ખૂબ નબળી’ નોંધાઈ છે.
થાણે શહેરમાં વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ જ્યાં સુધી પ્રદૂષણનું સ્તર નીચે ન આવે ત્યાં સુધી નવા આરએમસી પ્લાન્ટ સ્થાપવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. આ ઉપરાંત ચાલુ પ્લાન્ટ અંગે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નક્કી કરાયેલા માપદંડ મુજબ આ પ્લાન્ટ કાર્યરત છે કે કેમ તેની તપાસ કરવામાં આવે તેવી માગ નાગરિકોએ કરી છે.
તીન હાથ નાકા સૌથી વધુ પ્રદૂષિત
મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રદૂષણ નિયંત્રણ વિભાગે 23 થી 31 ઑક્ટોબર દરમિયાન શહેરના 16 મુખ્ય આંતરછેદો પર સર્વે કર્યો હતો. સર્વેમાં સામે આવ્યું છે કે હવામાં નાઈટ્રોજન ઓક્સાઈડ અને ધૂળના કણોનું પ્રમાણ વધી ગયું છે. કલવા જંકશન, બાલકુમ, સાકેત, શિવાજી ચોક અને સિડકો સંકુલમાં ધૂળના કણો વધુ માત્રામાં જોવા મળ્યા છે. સર્વેક્ષણમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 145 પીએમ (માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર) જોવા મળ્યો. મ્યુનિસિપલ કોર્પોરેશને તેને સાધારણ પ્રદૂષિત શ્રેણીમાં ગણાવ્યું છે. 160 પીએમના હવા ગુણવત્તા સૂચકાંક અને 190 પીએમની ધૂળની સાંદ્રતા સાથે તીન હાથ નાકા સૌથી વધુ પ્રદૂષિત હતું. નૌપાડાના શાહુ માર્કેટ કોમ્પ્લેક્સમાં 120 પીએમનો હવા ગુણવત્તા સૂચકાંક અને 130 પીએમનું ધૂળનું સ્તર છે. જોકે થાણે શહેર હાલમાં સાધારણ પ્રદૂષિત શ્રેણીમાં આવે છે, પરંતુ દિવાળીના અવસરે ફટાકડા શહેરની હવાને વધુ પ્રદૂષિત કરશે એ નક્કી.
ભુલેશ્વર અને ઝવેરી બજારમાં ચીમનીઓને કારણે પ્રદૂષણ
મુંબઈ: દક્ષિણ મુંબઈના સૌથી પ્રખ્યાત વિસ્તારો પૈકીના એક ભુલેશ્વર અને કાલબાદેવીમાં રહેતા લોકો માટે હવે સલ્ફ્યુરિક અને નાઈટ્રિક એસિડનો ધુમાડો તેમના જીવનનો એક ભાગ બની ગયા છે. કેઈએમ હૉસ્પિટલ દ્વારા 2005માં એક સ્વાસ્થ્ય સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વે રિપોર્ટ અનુસાર અહીં રહેતા 55 ટકા લોકો અસ્થમા અને શ્વાસ સંબંધી રોગોની ફરિયાદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. 2009માં પાલિકાના પર્યાવરણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓના આધારે, અહીંના પર્યાવરણમાં આરએસપીએમનું પ્રમાણ નિર્ધારિત ધોરણો કરતાં અનેક ગણું વધુ હતું. મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (એમપીસીબી) અને નેશનલ એન્વાયર્નમેન્ટ એન્જિનિયર રિઝર્વ ઇન્સ્ટિટ્યૂટ (નીરી) દ્વારા તમામ જરૂરી તપાસ કરવામાં આવી હતી. પરીક્ષણોમાં એવું તારણ નીકળ્યું હતું કે ઝવેરી બજાર, ભુલેશ્વર અને કાલબાદેવી વિસ્તારોમાં પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટેના તમામ નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે, પરંતુ કાર્યવાહીના નામે કંઈ કરવામાં આવ્યું નથી.
22 વર્ષથી ન્યાય મળ્યો નથી
ભુલેશ્વરના ભગતવાડીમાં રહેતા એક રહેવાસીએ અસ્થમાના કારણે માતા ગુમાવી હતી. આ ઘટના બાદ તેમણે અહીંની હવામાં રહેલા ઝેર સામે અવાજ ઉઠાવ્યો હતો. ભુલેશ્વર રેસિડેન્ટ્સ એસોસિએશનના નામથી એક સંગઠન બનાવવામાં આવ્યું છે અને લોકોએ હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો. એસોસિએશનના અન્ય સભ્યે કહ્યું કે આ મામલો હાઈ કોર્ટમાં અંતિમ સુનાવણીની રાહ જોઈ રહ્યા છે.
લોકો તેમના ઘર છોડી રહ્યા છે
ઝેરી ધુમાડા સામે લડાઈ લડતા ઘણા લોકો ભુલેશ્વર છોડીને મીરા રોડ શિફ્ટ થઈ ગયા છે. કાલબાદેવી સ્થિત નરનારાયણ મંદિર સોસાયટીના 70 ટકા રહેવાસીઓ તેમના ઘર છોડીને ઉપનગરોમાં સ્થાયી થયા છે. આ સોસાયટીની પાછળ સૌથી વધુ ચીમનીઓ આવેલી છે, જેનો ધુમાડો સીધો સોસાયટીમાં રહેતા લોકોના ઘરમાં પહોંચે છે. સોસાયટીમાં રહેતી મહિલાએ કહ્યું હતું કે આ ચીમનીમાંથી ધુમાડો તેના રસોડામાં આવતો હતો, તેથી તે પણ બે વર્ષ પહેલાં અહીંથી શિફ્ટ થઈ ગઈ હતી. 18 ઑગસ્ટ, 2001ના રોજ એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ફોફલવાડી દુર્ઘટના પછી એડિશનલ પાલિકા કમિશનર અજીત કુમાર જૈનના અહેવાલ મુજબ આ વિસ્તારમાં થઈ રહેલા જ્વેલરી બનાવવાના વ્યવસાયને અંજીરવાડી અને મઝગાંવ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ખસેડવો જરૂરી છે.
13 વર્ષમાં 38ના મોત, લોકો ઘર છોડી અન્ય શિફટ થઇ રહ્યાં છે
રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષ ન્યાયાધીશ આનંદ માને દ્વારા 19 એપ્રિલ, 2005ના રોજ પસાર કરાયેલા આદેશમાં જ્વેલરી બનાવવાના વ્યવસાય અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો દ્વારા નિયમોના ભંગને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોગોના ફેલાવાની પુષ્ટિ થઈ હતી. છેલ્લા 13 વર્ષેામાં આ વ્યવસાયથી જોડાયેલા અલગ- અલગ ક્સ્સાિઓમાં કુલ 38 મોત થયા છે.