સાવધાન! ઝીકાની મુંબઈમાં એન્ટ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણે અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં હાહાકાર મચાવનારા ઝીકા વાયરસે હવે મુંબઈમાં એન્ટ્રી કરી દીધી છે. મુંબઈમાં ૬૩ વર્ષની સિનિયર સિટિઝન મહિલાને ઝીકાનો ચેપ લાગતા તેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની તબિયત સ્થિર છે.
એડિસ મચ્છરના કરડવાથી ફેલાતો ઝીકા વાયરસ પણ જીવલેણ ગણાય છે. છેલ્લા અનેક મહિનાઓથી પુણેમાં ઝીકા વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ઝીકાના કેસ પૂણેમાં નોંધાઈ રહ્યા છે. રાજ્યના પશ્ર્ચિમ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં ઝીકાના કેસ નોંધાયા હતા અને મુંબઈને હજી સુધી સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે. જોકે હવે મુંબઈમાં પણ ઝીકા વાયરસે એન્ટ્રી કરી દીધી છે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ આપેલી માહિતી મુજબ મુંબઈમાં ૬૩ વર્ષની મહિલાને ઝીકાનો ચેપ લાગ્યો હતો. હાલ તેના પર ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની તબિયત સ્થિર છે અને બીમારીના તેનામાં કોઈ લક્ષણો નથી.
ઝીકા એડિસ મચ્છરો મારફત ફેલાતો એક વિષાણુજન્ય બીમારી છે. એડિસ મચ્છર દિવસના કરડે છે.
ઝીકા વાયરસના મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો જણાતા નથી, છતાં ઝીકા બીમારીના લક્ષણો સામાન્ય રીતે સૌમ્ય સ્વરૂપના હોય છે. મુખ્યત્વે તાવ આવવો, ફોલ્લા થવા, આંખો આવી, સાંધા અને શરીરમાં દુખાવો, થાક લાગવો અને માથાનો દુખાવો જેવા ઝીકા બીમારીના લક્ષણો હોય છે.
Also Read –