લોઅર પરેલમાં મૉડેલના ફ્લેટમાંથી પંદર લાખની રોકડ-સોનું ચોરાયાં

મુંબઈ: લોઅર પરેલ વિસ્તારના પૉશ એપાર્ટમેન્ટમાં રહેતી મૉડેલ કર્ણાટકના હુબલીમાં તેના વતનમાં ગઇ હતી ત્યારે તેના ફ્લેટમાંથી પંદર લાખની રોકડ-સોનું ચોરાયાં હતાં.
એન.એમ. જોશી માર્ગ પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હોઇ ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે આરોપીની શોધ ચલાવાઇ રહી છે.
મૉડેલની નિકિતા બારડ ઇન્ડિયા બૂલ્સ સ્કાય ફોરેન્સ કોમ્પ્લેક્સ ખાતેના એપાર્ટમેન્ટમાં એકલી રહે છે. કર્ણાટકના હુબલીની વતની નિકિતા 12 ડિસેમ્બરે તેના નાના ભાઇ અંકિત સાથે વતનમાં ગઇ હતી. નિકિતા 9 જાન્યુઆરીએ રાતે 9 વાગ્યે ઘરે પાછી ફરી હતી અને બીજે દિવસે ચોરી પ્રકાશમાં આવી હતી.
નિકિતાએ કબાટ ખોલતાં તેમાં રોકડ અને દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. તેની ગેરહાજરીમાં ફ્લેટમાં ચોરોએ હાથફેરો કર્યો હોવાનું પોલીસને લાગી રહ્યું છે.
આ પણ વાંચો : લોઅર પરેલમાં કારે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત: બે જખમી
પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાની ગંભીર નોંધ લઇ વિગતવાર તપાસનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શકમંદોને ઓળખી કાઢવા અને તેમની ધરપકડ માટે સ્થાનિક પોલીસને સીસીટીવી ફૂટેજનું વિશ્ર્લેષણ કરવામાં મદદ કરી રહી છે. અધિકારીઓ સંભવિત કડીઓ માટે ઘરેલું કામગાર અને સ્ટાફની પૂછપરછ કરી રહ્યા છે.