કર્નાક પુલના ગર્ડર બેસાડવાનું કામ દશેરા બાદ શરૂ થશેઃ મધ્ય રેલવે દ્વારા સાત બ્લોક લેવાશે…
મુંબઈ: બ્રિટિશકાળના કર્નાક પુલના ગર્ડર બેસાડવાનું મહત્ત્વનું કામ દશેરા બાદ પૂર્ણ થશે. ગર્ડર બેસાડવા માટે મધ્ય રેલવે તરફથી ૧૫મી ઓક્ટોબર બાદ સાત બ્લોક લેવામાં આવશે. બ્લોકને કારણે રેલવે પ્રવાસીઓને અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે રાતના સમયે ગર્ડર બેસાડવાનું કામ કરવામાં આવશે. મસ્જિદ બંદરના લોકમાન્ય ટિળક રોડ પર આવેલા કર્નાક પુલની હાલત જોખમી થતા તેને તોડી પાડવામાં આવ્યો હતો.
પાલિકા અને મધ્ય રેલવે દ્વારા સંયુક્ત રીતે કર્નાક પુલ બનાવવામાં આવી રહ્યો છે. રેલવે ટ્રેકની ઉપર ગર્ડર બેસાડવા માટે પાલિકાએ રેલવે પાસે ઓગસ્ટના અંતમાં બ્લોકની માગણી કરી હતી. તે માટે છ કલાકનો એક, ત્રણ કલાકના ત્રણ અને બે કલાકના ત્રણ એક કુલ સાત બ્લોક લેવામાં આવશે. છ કલાકના બ્લોકમાં કેટલીક ટ્રેનો રદ કરવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં વિસ્તૃત ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે, એમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
કર્માક પુલનું પ્રાથમિક કામ કરવા માટે જુલાઇ મહિનામાં સીએસએમટીથી ભાયખલા અને વડાલા દરમિયાન રાત્રીનો બ્લોક લેવામાં આવ્યો હતો. લોકલ અને લાંબા અંતરની ટ્રેનોને શોટ૪ ટર્મિનેટ કરવામાં આવી હતી. પ્રાથમિક કામ પૂર્ણ થઇ ગયું છે ત્યારે ગર્ડર બેસાડવાનું કામ રેલવે અને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે.
ગર્ડર બેસાડવા માટે ૧૫૦ મેટ્રિક ટન અને ૨૫૦ મેટ્રિક ટન વજનના ક્રેનની મદદ લેવામાં આવશે. આ સાથે વિંચ મશીન, હિલમેન રોલર, ગાઇડ રોલર, પોલીસ, જૅક, ક્રેન અને ડિજિસેટ વગેરે મશીનનો ઉપયોગ પણ કરવામાં આવશે. નવો બનાવવામાં આવનાર કર્નાક પુલ ૭૦ મીટર લાંબો અને ૨૬.૫૦ મીટર પહોળો હશે. આ માટે ૪૧,૨૭,૦૦,૦૦૦ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
૮૮ ટકા કામકાજ પૂર્ણ
કર્ણાક પુલના બન્ને દિશાના ગર્ડર બેસાડવા માટે કુલ ૧૨ કલાકના બ્લોકની માગણી મધ્ય રેલવે પાસે કરાઇ હતી. મધ્ય રેલવેએ બ્લોક મંજૂર કર્યા બાદ હવે મૂળ કામને ગતિ મળશે. હાલમાં કર્નાક પુલનું કામ ૮૮ ટકા પૂર્ણ થયું છે, એમ પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.