કારે રિક્ષાને ટક્કર મારતાં ત્રણ જખમી: ઘોડબંદર રોડ પર બે કલાક ટ્રાફિક જૅમ
થાણે: થાણે નજીક ઘોડબંદર રોડ પર કારે આગળ જતી રિક્ષાને ટક્કર મારતાં ત્રણ જણ ગંભીર રીતે ઘવાયા હતા, જ્યારે રિક્ષામાં હાજર બે બાળકનો સુરક્ષિત બચાવ થયો હતો. અકસ્માતને કારણે ઘોડબંદર રોડ પર લગભગ બે કલાક સુધી વાહનવ્યવહારને અસર થઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ સોમવારની રાતે 10 વાગ્યાની આસપાસ ઘોડબંદર રોડ પર પાતલીપાડા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. મુંબઈના જોગેશ્ર્વરીથી પાતલીપાડા તરફ પૂરપાટ વેગે જઈ રહેલી કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર આગળ જતી રિક્ષા સાથે ટકરાઈ હતી.
થાણે મહાપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં રિક્ષા ડ્રાઈવર અને રિક્ષામાં પ્રવાસ કરતા બે જણ ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર માટે તેમને નજીકની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ પણ વાંચો : થાણેમાં એકમાત્ર કમળ! ગણેશ નાઈકની જાહેરાતથી શિવસેનામાં અસ્વસ્થતા…
કારે રિક્ષાને જોરદાર ટક્કર મારી હોવા છતાં સદ્નસીબે રિક્ષામાં બેસેલા બે બાળકને કોઈ ઇજા થઈ નહોતી. બનાવની જાણ થતાં પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
એક ક્રેન અને પિકઅપ વાહનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ઘોડબંદર રોડ પર ભારે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. લગભગ બે કલાક બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ શક્યો હતો. (પીટીઆઈ)