પુણેમાં કાર અકસ્માત: પુરાવા નષ્ટ કરવાના કેસમાં ટીનેજરનાં માતા-પિતાને પોલીસ કસ્ટડી ફટકારાઇ

પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માતમાં પુરાવા નષ્ટ કરવાના આરોપસર ધરપકડ કરાયેલા ટીનેજરનાં માતા-પિતાને રવિવારે કોર્ટે 5 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પુણેના કલ્યાણી નગર જંકશન પર બે સોફ્ટવેર એન્જિનિયરને પોર્શે કાર નીચે કચડી નાખનારા 17 વર્ષના પુત્રને બચાવવા માટે તેના લોહીના નમૂનાને બદલે તેની માતાએ પોતાના લોહીના નમૂના આપ્યા હતા. આ પ્રકરણે ટીનેજરની માતા શિવાની અગ્રવાલની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સંબંધિત કેસમાં ઝડપાયેલા રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલની હવે પુરાવા નષ્ટ કરવાના કેસમાં ધરપકડ કરાઇ હતી.
વિશાલ અગ્રવાલ અને તેની પત્ની શિવાનીને રવિવારે હોલિડે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને 5 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
આ પણ વાંચો : પ્રતિબંધ હોવા છતાં ઘોડબંદર રોડ પર ભારે વાહનોની અવરજવરઃ વાહનચાલકોને હેરાનગતિ
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે અગ્રવાલ દંપતીએ અકસ્માત સંબંધી પુરાવા નષ્ટ કર્યા હતા અને કાવતરું ઘડ્યું હતું. બંને જણ અકસ્માત બાદ હોસ્પિટલમાં ગયાં હતાં અને તેમનો સગીર પુત્ર ઘટના સમયે દારૂના નશામાં નહોતો એ બતાવવા માતાએ પોતાના લોહીના નમૂના આપ્યા હતા.
દંપતીના વકીલ પ્રશાંત પાટીલે કોર્ટને કહ્યું હતું કે પોલીસે મારા અસીલના ઘરની તલાશી લીધી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે. બંનેને જામીનપાત્ર ગુનામાં અટકમાં લેવાયાં છે. આથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે. વિશાલ અને શિવાજી સાથે પોલીસે ટીનેજરના દાદા સુરેન્દ્ર કુમારની પણ ધરપકડ કરી છે. ડ્રાઇવરનું અપહરણ કરી દોષ પોતાના માથે લેવા માટે તેનેે ધમકાવવાનો તેમના પર આરોપ છે. (પીટીઆઇ)