આમચી મુંબઈ

કોસ્ટલ રોડ પર ડિવાઇડર સાથે ટકરાયા બાદ કાર ઊંધી વળી: યુવતીનું થયું મૃત્યુ

મુંબઈ: ગયા વર્ષે ખુલ્લા મુકાયેલા કોસ્ટલ રોડ પર શનિવારે રાતે થયેલા અકસ્માતમાં યુવતીનો જીવ ગયો હતો. રાતે પુરઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ ઊંધી વળી ગઇ હતી, જેમાં ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો. તાડદેવ પોલીસે આ પ્રકરણે ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી, એમ અધિકારીએ કહ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર કાર પ્રભાદેવીથી ગિરગામની દિશાએ આવી રહી હતી ત્યારે કોસ્ટલ રોડ પર હાજીઅલી નજીક તેને અકસ્માત નડ્યો હતો, જેમાં મૃત્યુ પામેલી યુવતીની ઓળખ ગાર્ગી ચાટે (19) તરીકે થઇ હતી.

નાશિકની વતની અને અભ્યાસ માટે મુંબઈ આવેલી ગાર્ગી ચાટે દાદરના શિવાજી પાર્ક વિસ્તારમાં પેઇન્ગ ગેસ્ટ તરીકે રહેતી હતી. ગાર્ગી શનિવારે રાતના સ્વિફ્ટ કારમાં પ્રભાદેવીથી ગિરગામ તરફ આવી રહી હતી. કોસ્ટલ રોડ પર કાર હાજીઅલી પાસે પહોંચી ત્યારે ડ્રાઇવર સંયમ સાકલા (22)એ વળાંક નજીક અચાનક કાબૂ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો : Good News: કોસ્ટલ રોડ વાહનચાલકો માટે 24 કલાક ખૂલ્લો રહેશે, જાણો ક્યારથી મળશે સુવિધા?

આથી કાર ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને બાદમાં ઊંધી વળી ગઇ હતી. આ અકસ્માતમાં ગાર્ગી અને ડ્રાઇવર સંયમને ઇજા પહોંચી હતી. ઘવાયેલાં બંને જણને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં, જ્યારે સારવાર દરમિયાન ગાર્ગીને મૃત જાહેર કરવામાં આવી હતી. ડ્રાઇવર સંયમ હાલ સારવાર લઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન અકસ્માતની જાણ થતાં તાડદેવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં કારને ખાસ્સું નુકસાન થયું હતું અને તેને કારણે કોસ્ટલ રોડ પર અમુક સમય સુધી ટ્રાફિક જૅમ સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત કારને ત્યાંથી હટાવવામાં આવ્યા બાદ વાહનવ્યવહાર પૂર્વવત થઇ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button