કૅન્સર પીડિત સગીરા સાથે દુષ્કર્મથી તે ગર્ભવતી બની: યુવાનની ધરપકડ

થાણે: બદલાપુરમાં સારવારમાં મદદરૂપ થવાને બહાને કૅન્સર પીડિત 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે યુવાનની ધરપકડ કરી હતી.
આસિસ્ટન્ટ પોલીસ કમિશનર શૈલેષ કાળેએ જણાવ્યું હતું કે 29 વર્ષના આરોપીને બિહારથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી અને સગીરાનો પરિવાર બિહારના એક જ ગામના વતની છે. આરોપીએ જ સગીરાના પરિવાર માટે બે મહિના અગાઉ બદલાપુરમાં ભાડેના ઘરની વ્યવસ્થા કરી હતી અને સારવારમાં તેમને મદદરૂપ પણ થતો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર સગીરા ઘરમાં એકલી હોવાનો આરોપી ફાયદો ઉઠાવતો હતો. ત્રણ વાર તેણે સગીરા સાથે કથિત દુષ્કર્મ કર્યું હતું.
આ પણ વાંચો: દુષ્કર્મના આરોપી જૈન મુનિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી, પીડિતાને 8 વર્ષે મળ્યો ન્યાય
સગીરાને કેમોથેરપી માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે રુટિન ચેકઅપ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. હૉસ્પિટલમાંથી આ બાબતે પોલીસને જાણ કરાઈ હતી. ફરિયાદને આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસની ટીમ બિહાર પહોંચી હતી અને ગુરુવારે તેને તાબામાં લેવાયો હતો. ધરપકડ કરાયેલા આરોપીને કોર્ટે અદાલતી કસ્ટડી ફટકારી હતી. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
(પીટીઆઈ)