ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા
21 રાજ્યની 102 બેઠક પર શુક્રવારે મતદાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શુક્રવારે 19 તારીખે 21 રાજ્યોની કુલ 102 બેઠક પર થવાનું છે ત્યારે આ બેઠકો પર પ્રચારના પડઘમ બુધવારે સાંજે પાંચ વાગ્યે પૂરા થયા હતા.
19 તારીખે મહારાષ્ટ્રની પાંચ, અરુણાચલ પ્રદેશની બે, આસામની પાંચ, બિહારની ચાર, છત્તીસગઢની એક, મધ્ય પ્રદેશની છ, મણિપુરની બે, મેઘાલયની બે, મિઝોરમની એક, નાગાલેન્ડની એક, રાજસ્થાનની 12, સિક્કિમની એક, તામિલનાડુની 19, ત્રિપુરાની એક, યુપીની આઠ, ઉત્તરાખંડની પાંચ, પશ્ર્ચિમ બંગાળની ત્રણ, આંદામાન અને નિકોબાર દ્વીપની એક, જમ્મુ અને કાશ્મીરની એક, લક્ષદ્વીપની એક અને પુડુચરીની એક બેઠક પર મતદાન કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં નાગપુર, રામટેક, ભંડારા-ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલીમાં મતદાન થવાનું છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, રાજ્યના પ્રધાન સુધીર મુનગંટીવાર જેવા નેતાની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ 85 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો ઘરે બેસીને મતદાન કરી શકે પણ
ઉત્તર પ્રદેશની જે આઠ બેઠક પર મતદાન થવાનું છે તે પશ્ર્ચિમી ભાગમાં આવેલી સહારનપુર, બિજનોર, કૈરાના, મુઝફ્ફરનગર, નગીના, મોરાદાબાદ, રામપુર અને પીલીભીતની બેઠકો છે. અહીં મહત્ત્વના ઉમેદવારોમાં પીલીભીતથી જીતીન પ્રસાદ, કેન્દ્રીય પ્રધાન સંજીવ બલિયાન મુઝફ્ફરનગર અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદ નગીના બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે.
મધ્ય પ્રદેશની જે છ બેઠકો પર મતદાન થવાનું છે તેમાં છીંદવાડા, માંડલા, સિધિ, શાહડોલ, જબલપુર અને બાલાઘાટનો સમાવેશ થાય છે. રાજ્યના મહત્ત્વના ઉમેદાવારોમાં કૉંગ્રેસના નેતા કમલનાથના પુત્ર નકુલ નાથ અને કેન્દ્રીય પ્રધાન ફગ્ગનસિંહ કુલસ્તે છે.
પહેલા તબક્કામાં સૌૈથી વધુ 19 બેઠકો પર તામિલનાડુમાં મતદાન થવાનું છે. આ રાજ્યમાં એમડીએમકેના દુરાઈ વાઈકો, ટીટીવી દિનાકરન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમ મુખ્ય ઉમેદવારો છે.
પશ્ર્ચિમ બંગાળની ત્રણ બેઠક પર મતદાન થવાનું છે, તેમાં કૂચબિહાર (એસસી), જલપાઈગુડી (એસસી) અને અલિપુરદુઆર્સ (એસટી) બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં કેન્દ્રીય પ્રધાન નિસીથ પ્રમાણિક મહત્ત્વના છે.
છત્તીસગઢની નક્સલગ્રસ્ત બસ્તર બેઠક પર મતદાન થવાનું છે અને તેનો પ્રચાર બુધવારે બંધ થયો હતો.
જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર બેઠક પર શુક્રવારે મતદાન થવાનું હતું એટલે બુધવારે પ્રચારના પડઘમ શાંત થયા હતા. આ બેઠક પર કેન્દ્રીય પ્રધાન જીતેન્દ્ર સિંહનું ભાવિ દાવ પર લાગેલું છે. (એજન્સી)