અમેરિકન નાગરિકોને ઉત્તેજક દવાઓ વેચનારું કૉલ સેન્ટર અંધેરીમાં પકડાયું: 10ની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી પરિસરમાં બોગસ કૉલ સેન્ટર શરૂ કરી અમેરિકન નાગરિકોને ઉત્તેજક દવાઓ વેચવાના ઓઠા હેઠળ લાખો ડૉલર પડાવવાના રૅકેટનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે 10 જણની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-10ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીઓની ઓળખ સાકીબ સૈયદ (38), યશ શર્મા (26), ઉઝેર શેખ (26), ગૌતમ મહાડિક (23), ઝુનેદ શેખ (22), જીવન ગૌડા (21), મુનીબ શેખ (40), હુસેન શેખ (21), વિજય કોરી (38) અને મોહમ્મદ સુફિયાન મુકાદમ (20) તરીકે થઈ હતી.
અંધેરી પૂર્વના એમઆઈડીસી પરિસરમાં આવેલી સમિટ બિઝનેસ બૅ ખાતેની એક ઑફિસમાં બોગસ કૉલ સેન્ટર ધમધમી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસે શનિવારે કૉલ સેન્ટર પર રેઇડ કરી હતી. આ ગેરકાયદે કૉલ સેન્ટર સાકીબ અને યશ રશીદ અન્સારીની મદદથી ચલાવતા હોવાનું જણાયું હતું. પોલીસ રશીદ અન્સારીની શોધ ચલાવી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ કૉલ સેન્ટરના માધ્યમથી આરોપીઓ અમેરિકન નાગરિકોને વીઓઆઈપી કૉલ કરતા હતા. પોતે ફાર્મા કંપનીના અમેરિકન સેલ્સ એક્ઝિક્યુટિવ હોવાનું આરોપી કહેતા હતા. વિયેગ્રા જેવી ઉત્તેજક દવા વેચવાને બહાને અમેરિક નાગરિકો પાસેથી ઑનલાઈન ડૉલર્સ સ્વીકારતા હતા. થાણે નજીકના મુંબ્રા ખાતે રહેતા સલમાન મોટરવાલાની મદદથી લાઈસન્સ વિના ઉત્તેજક દવા વેચવામાં આવતી હોવાનો દાવો આરોપીઓએ પૂછપરછમાં કર્યો હતો.
પોલીસે કૉલ સેન્ટરમાંથી ત્રણ મોબાઈલ ફોન, એક લૅપટોપ, સર્વર, 24 હાર્ડ ડિસ્ક, રાઉટર જેવાં સાધનો જપ્ત કર્યાં હતાં. અમુક દસ્તાવેજો પણ તાબામાં લેવાયા હોવાનું અધિકારીનું કહેવું છે. આ કાર્યવાહી પ્રકરણે એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આખી સિસ્ટમનું એક્સેસ આ કેસમાં ફરાર આરોપી સલમાન મોટરવાલા, રશીદ અન્સારી અને ઈરફાન કુરેશી પાસે હતું. પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ત્રણેય આરોપીએ સર્વર બંધ કરી ગૂગલ ક્રોમમાંથી કૉલ સેન્ટરના ડેટા સંબંધિત ફાઈલ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો. પોલીસની સાયબર ટીમ ડિલીટ કરવામાં આવેલી ફાઈલ પાછી મેળવવાના પ્રયત્નો કરી રહી છે.