રાણીબાગમાં બિહારથી આવ્યા ચાર મગરમચ્છ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જિજાબાઈ ભોસલે પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ)માં રાંચી પ્રાણીસંગ્રહાલયથી ચાર મગરમચ્છ (ઘડિયાલ) લાવવામાં આવ્યા છે. રાણીબાગમાં આ નવા મગરમચ્છોએ બાળકો સહિત પર્યટકોમાં ખાસ્સું એવું આકર્ષણ જમાવ્યું છે.
ખાસ દુર્લભ અને લુપ્તપ્રાય સરિસૃપ શ્રેણીમાં આવતા ઘરિયાલ અને મગર માટે અગાઉ પ્રાણીસંગ્રહાલયમાં રહેવા માટે અલાયદી વ્યવસ્થા નહોતી. પ્રાણી સંગ્રહાલયે મે, ૨૦૨૩માં તેનો પહેલો અંડરવોટર વ્યૂઈંગ ડેક બનાવ્યો હતો, જેમાં એક એલિવેટેડ ગેલેરીનો સમાવેશ થાય છે. અહીંથી પર્યટકો પાણીની ઉપર અને નીચે સરિસૃપની ગતિવિધિઓને જોઈ શકે છે.
પ્રશાસન દ્વારા અગાઉ એક મગર અને બે ઘડિયાલ માટે ખાસ અલગ અલગ બે ઍન્ક્લોઝર બનાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ તેમની સંખ્યા વધારવા માટે પ્રાણી સંગ્રહાલયે ગયા વર્ષે રાંચીના ભગવાન બિરસા બાયોલોજિકલ પાર્કનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી ચાર ઘડિયાલ લેવામાં આવલ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ રાંચીના પ્રાણીસંગ્રહાલય પાસેથી છથી આઠ વર્ષના ચાર ઘરિયાલ લેવામાં આવ્યા હતા, તેની સામે તેમને આઠ કોકાટીલ (દુર્લભ પક્ષી) જેમાં ચાર સફેદ અને ચાર ગ્રે આપવામાં આવ્યા હતા.

આગામી સમયમાં હિપ્પો એક્ઝિબિટની સામે નવું સરિસૃર પ્રાણીઓ માટે ઘર બનાવવાની યોજના છે. ગ્રાઉન્ડ પ્લસ એક માળના ઘરમાં ૧૨ પ્રજાતિઓ રહેશે. જેમાં ટ્રિન્કેટ સ્નેક, ભારતીય ક્રોબા, ભારતીય રોક પાયથન(અજગર) અને પટ્ટાવાળા કીલ બેકનો સમાવેશ થાય છે.