ભાયખલા જેલ બની રેડિયો સેન્ટર
સવારે ભજન અને બપોરે ફિલ્મી ગીતોની ફરમાઇશ
મુંબઈ: કેદીઓનું ટેન્શન દૂર કરવા માટે જેલ પ્રશાસને જેલોમાં જુદી રીતનો પ્રવાહ વહે તેનો પ્રયોગ કરવાનો ફેંસલો કર્યો છે. આના જ ભાગરૂપે જેલોમાં એફએમ રેડિયો સેન્ટર ખોલવામાં આવી રહ્યું છે. જેલના વધારાના પોલીસ વડા અમિતાભ ગુપ્તાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે મુંબઈની ભાયખલા જેલમાં શનિવારથી આની શરૂઆત કરવામાં આવી છે. ધીરે ધીરે મહારાષ્ટ્રની તમામ જેલોમાં એફએમ રેડિયો સેન્ટર ખોલવામાં આવશે. આ સેન્ટરોમાં રેડિયોને બાદ કરતાં તમામ વસ્તુઓ હશે. રેડિયોને બદલે જેલમાં અમુક અંતરે મ્યુઝિક સિસ્ટમ રાખવામાં આવશે.
ગુપ્તાના જણાવ્યા અનુસાર જેલમાં આવનારા કેદીના મનમાં હંમેશાં બેચેનીનો ભાવ રહેતો હોય છે. પોતાના પરિવાર, ભવિષ્ય અને પોતાના કેસને લઇને હંમેશાં તેની અંદર નકારાત્મક ભાવ રહેતા હોય છે. કેદીઓને સકારાત્મકતા તરફ લઇ જવા માટે અમે એફએમ રેડિયો સેન્ટરનો પ્રયોગ અજમાવ્યો છે.
હાલમાં તો એક મહિલા કેદી શ્રદ્ધા ચૌગુલેને ભાયખલા જેલની રેડિયો જોકી બનાવવામાં આવી છે. જેલના સુપરિન્ટેન્ડેન્ટ વિકાસ રજનલવારે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે ધીરે ધીરે અન્ય કેદીઓને પણ આ અંગેની ટે્રનિંગ આપવામાં આવશે, કારણ કે અંડરટ્રાયલ રેડિયો જોકી કેદી જ્યારે પણ જામીન પર બહાર હશે તો બીજો કેદી રેડિયો જોકીની ભૂમિકા ભજવશે. જેલમાં સવારે 7થી 8 ભક્તિગીત, ભજન અને આધ્યાત્મિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. બપોરે 12થી 3 વાગ્યા સુધી કેદીઓનો આરામનો સમય હશે અને એ સમયે તેમની ફરમાશ પર હિંદી અને મરાઠી ફિલ્મોનાં ગીતો વગાડવામાં આવશે.