ભાયખલામાં બિલ્ડિંગમાં પાયાભરણી દરમ્યાન અકસ્માત: બે મજૂરના મોત, ત્રણ જખમી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાયખલામાં એક વિચિત્ર દુર્ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના પાયાના ભરણીના કામ દરમ્યાન અચાનક માટી અને કાદવ ૧૫ ફૂટ નીચે કામ કરી રહેલા મજૂરો પર પડી જતા બે મજૂરોનાં કમનસીબે મૃત્યુ થયા હતા. તો અન્ય ત્રણ મજૂર ગંભીર રીતે જખમી હોઈ તેમના પર નાયર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભાયખલા વેસ્ટમાં હંસ રોડ પરિસરમાં હબીબ મૅન્શન નામની બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે. શનિવારે બિલ્ડિંગનું પાયાભરણી અને પાયલીંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે બપોરના પોણા ત્રણ વાગ્યાની આસપાસ અચાનક મોટા પ્રમાણમાં માટી અને કાદવ નીચે કામ કરી રહેલા મજૂરો પર આવી પડ્યું હતું. આ ઘટનામાં પાંચેક મજૂરો દબાઈ ગયા હતા.
ઘટના સ્થળેથી ફાયરબિગ્રેડ, પોલીસ સહિત પાલિકાના અધિકારી-કર્મચારી પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ ફાયરબિગ્રેડે માટીના ઢગલા નીચે દબાઈ ગયેલા મજૂરોને બહાર કાઢ્યા હતા અને તેમને નાયર હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે સારવાર અગાઉ જ બે મજૂરનાં મોત થયા હતા તો અન્ય ત્રણ જણ પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતકોમાં ૩૦ વર્ષના રાહુલ અને ૨૮ વર્ષના રાજૂનો સમાવેશ થાય છે તો ૨૫ વર્ષનો સજ્જાદ અલી, ૨૮ વર્ષનો સોબત અલી અને ૧૮ વર્ષનો લાલ મોહમ્મદ આ ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. પાલિકાના ઈ-વોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે હબીબ બિલ્ડિંગનું રિડેલવપમેન્ટનું કામ ચાલી રહ્યું હતું.
શનિવારે ૧૫ ફૂટ નીચે પાયાની ભરણી અને ખોદકામ જેવા કામ ચાલી રહ્યા હતા. એ દરમ્યાન સાઈટ પર અચાનક માટી અને કાદવ નીચે કામ કરી રહેલા મજૂરો પણ મોટા પ્રમાણમાં આવી પડયો હતો, જેની નીચે મજૂરો દબાઈ ગયા હતા. આ દુર્ઘટના બાદ બિલ્ડરને સ્ટોપ વર્કની નોટિસ ફટકારવામાં આવી છે.



