ચુનાભટ્ટીમાં ગૅન્ગસ્ટરની હત્યાના કેસમાં ભાયખલાના બિલ્ડર વિમલ જૈનની ધરપકડ
ભંડોળ પૂરું પાડનારા જૈને કાવતરું ઘડવા આરોપીઓ સાથે કરેલી મીટિંગનો વીડિયો પોલીસને હાથ લાગ્યો
ગૅન્ગસ્ટરની હત્યા માટે 10થી વધુ પિસ્તોલની વ્યવસ્થા કરી ગોળીબારની પ્રેક્ટિસ પણ કરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચુનાભટ્ટીમાં ભરબપોરે ગોળીબાર કરી ગૅન્ગસ્ટર સુમિત યેરુણકરની હત્યા કરવાના કેસમાં પોલીસે ભાયખલાના બિલ્ડર વિમલ જૈનની ધરપકડ કરી હતી. હત્યા માટે આર્થિક ભંડોળ પૂરું પાડનારા જૈને કાવતરું ઘડવા આરોપીઓ સાથે કરેલી મીટિંગનો વીડિયો હાથ લાગ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
જન્મદિનનાં બૅનર્સ માટે ફોટો પડાવવા ચુનાભટ્ટીની આઝાદ ગલી સ્થિત સ્ટુડિયોમાં ગયેલા ગૅન્ગસ્ટર યેરુણકરની 24 ડિસેમ્બર, 2023ની બપોરે ત્રણ વાગ્યે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ચુનાભટ્ટી પોલીસે ગુરુવારની રાતે ભાયખલાની લવલેન ખાતે રહેતા વિમલ મોહનલાલ જૈન (50)ની ધરપકડ કરી હતી. શુક્રવારે જૈનને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
આ કેસમાં પોલીસે અગાઉ શૂટર સહિત 12 આરોપીની ધરપકડ કરી હતી. જૈનના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 13 પર પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી છ પિસ્તોલ અને નવ કારતૂસ જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સાથે જૈન હત્યા પૂર્વે સંપર્કમાં હોવાનું જણાયું હતું. જૈને આરોપીઓને નિયમિત રીતે આર્થિક ભંડોળ પૂરું પાડ્યું હોવાનું તપાસમાં જણાઈ રહ્યું છે. એ સિવાય યેરુણકરની હત્યા પૂર્વેની તૈયારીમાં આરોપીઓ દ્વારા જૈનની કારનો ઉપયોગ કરાયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું.
ગૅન્ગસ્ટરની હત્યા અગાઉ જૈન અને આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ વચ્ચે મીટિંગ થઈ હતી. આ મીટિંગ હત્યાનું કાવતરું ઘડવા યોજાઈ હોવાનું કહેવાય છે. સંબંધિત મીટિંગનો વીડિયો પોલીસને હાથ લાગ્યો હોવાથી ડિજિટલ પુરાવા તરીકે તેને તાબામાં લેવાયો હતો. આ વીડિયોની વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસનું કહેવું છે.
આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યા માટે વિવિધ સ્થળેથી 10થી 12 પિસ્તોલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પિસ્તોલનો ઉપયોગ યેરુણકરની હત્યા પૂર્વે ગોળીબારની પ્રેક્ટિસ માટે કરવામાં આવ્યો હતો. પોલીસે છ પિસ્તોલ જપ્ત કરી હોઈ બાકીની પિસ્તોલની શોધ ચલાવાઈ રહી છે.