વેપારીના પુત્રનું અપહરણ કરી ખંડણી માગી: પડોશી સહિત ત્રણની ધરપકડ

જાલના: જાલનામાં વેપારીના 13 વર્ષના પુત્રનું અપહરણ કરીને રૂ. પાંચ કરોડની ખંડણી માગવા પ્રકરણે પડોશી સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી. સદર બઝાર પોલીસ ગણતરીના કલાકોમાં અપહૃતનો છુટકારો કરાવ્યો હતો.
મંગળવારે સવારે થયું થયેલું નાટક ત્રણ આરોપીની ધરપકડ સાથે રાતે નવ વાગ્યે સમાપ્ત થયું હતું. આરોપીઓની ઓળખ રોહિત ભુરેવાલ, અરબાઝ શેખ અને નીતિન શર્મા તરીકે થઇ હતી, એમ જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અજયકુમાર બંસલે જણાવ્યું હતું.
આયુર્વેદિક દવાઓના વેપારી કૃષ્ણા મુજમુલે (38)નો પુત્ર મંગળવારે સવારે સ્કૂલે જવા માટે ઘરેથી નીકળ્યો હતો. થોડા સમય બાદ કૃષ્ણાને અજાણી વ્યક્તિએ કૉલ કરીને તેના પુત્રનું અપહરણ કર્યું હોવાનું જણાવીને તેના છુટકારા માટે રૂ. પાંચ કરોડની ખંડણી માગી હતી. જો રૂપિયા ન આપે તો પુત્રને હાનિકારક ઇન્જેકશન આપવાની ધમકી આપી હતી.
વેપારીએ સ્કૂલમાં જઇને તપાસ કરતાં તેનો પુત્ર ત્યાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી વેપારીએ સદર બઝાર પોલીસ સ્ટેશન અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
અપહરણકારો વેપારીનો વારંવાર સંપર્ક સાધી રહ્યા હતા અને ખંડણીની રકમ રૂ. 20 લાખ સુધી લઇ આવ્યા હતા. અપહરણકારોએ વેપારીને રોકડ ભરેલી બેગ સ્થાનિક પેટ્રોલ પંપ ખાતે રાખવાનું કહ્યું હતું. યોજના મુજબ વેપારી બેગને નિર્ધારિત સ્થળે છોડી ગયો હતો, જ્યારે પોલીસ કર્મચારીઓ નજીકમાં છુપાયેલા હતા. દરમિયાન મુખ્ય આરોપી ભુરેવાલ બેગ લેવા આવતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછમાં ભુરેવાલે જણાવ્યું હતું કે તેના સાથીદારો અન્ય સ્થળે વેપારીના પુત્ર સાથે રાહ જોઇ રહ્યા છે. આ માહિતી બાદ પોલીસે બાકીના બે આરોપીને પણ તાબામાં લીધા હતા અને અપહૃતનો છુટકારો કરાવ્યો હતો. પોલીસે કાર, મોટરસાઇકલ અને બે વોકીટોકી ફોન જપ્ત કર્યા હતા. ભુરેવાલ મુખ્ય આરોપી હોઇ તે વેપારીનો પડોશી છે. (પીટીઆઇ)