જાણો, કેટલી મહિલાઓને લાડકી બહેન યોજનાના પૈસા મળ્યા? રાજ્ય સરકારે જણાવ્યું કે…..
મુંબઇઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદેશ્યથી ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ યોજનાની શરૂઆત કરી છે. રાજ્યનું બજેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જુલાઈ 2024થી આ યોજના શરૂ કરી છે. રકારે આ યોજના હેઠળ અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. હવે રાજ્ય સરકારે ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ યોજનામાં કેટલી મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી છે તેની માહિતી આપી છે.
જુલાઈ મહિનામાં અરજી કરનાર રાજ્યભરની મહિલાઓના ખાતામાં 17 ઓગસ્ટના રોજ જુલાઇ અને ઑગસ્ટ મહિનાના કુલ 3,000 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઓગસ્ટ મહિનામાં તેમની અરજીઓ સબમિટ કરનાર મહિલાઓને 31 ઓગસ્ટના રોજ બે મહિનાની રકમ આપવામાં આવી હતી.
રાજ્ય સરકારે એવી માહિતી આપી છે કે જુલાઈ અને ઓગસ્ટ એમ બે તબક્કામાં 1 કરોડ 59 લાખ બહેનોને ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ યોજના હેઠળ કુલ 4787 કરોડ રૂપિયાનો લાભ આપવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કરવા માટે 31 ઓગસ્ટની સમયમર્યાદા આપી હતી. ત્યાર બાદ રાજ્ય કેબિનેટની બેઠકમાં નિર્ણય લઇને આ સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.
જ્યારે ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ યોજના રજૂ કરવામાં આવી હતી ત્યારે વિવિધ એજન્સીઓને અરજીઓ મંજૂર કરવાની સત્તા આપવામાં આવી હતી, પણ ત્યાર બાદ તેમાં ગોટાળા બહાર આવ્યા હતા. એક વ્યક્તિએ અરજી કરતી વખતે તેની પત્નીના નામે 30 અરજીઓ સબમિટ કરી હતી. તેમાંથી 26 અરજીઓ મંજૂર થઇ ગઇ હતી. આ પછી, સાવચેતીના પગલા તરીકે રાજ્ય સરકારે હવે ફક્ત આંગણવાડી સેવકોને જ ‘મુખ્ય પ્રધાન મારી લાડલી બહેન’ ની અરજીઓ મંજૂર કરવાની સત્તા આપી છે.