મહારાષ્ટ્રમાં ફરી બુલડોઝર કાર્યવાહી: નાશિક હાઇવે પરની ગેરકાયદે મઝાર તોડી પડાઈ
નાશિક: મહારાષ્ટ્રના નાશિક મનમાડ ચાંદવાડ હાઇવે પર બનેલી એક ગેરકાયદે મઝાર પર મિરા રોડની જેમ બુલડોઝર એક્શન કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય નિતેશ રાણેએ આ મુદ્દાને સત્રમાં રજૂ કરી મઝાર પર લેન્ડ જિહાદનો આરોપ કર્યો હતો. રાણેની આ અપીલ બાદ પ્રશાસન દ્વારા મઝારને બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. પ્રશાસનની આ કાર્યવાહી બાદ હાઇવે પર સુરક્ષા માટે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ચાલતા વિધાનસભા સત્રમાં ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ નેશનલ હાઇવે પર બનેલી આ ગેરકાયદે મઝારની તસવીરો બતાવી હતી અને આ પાકિસ્તાન નથી હિંદુસ્તાન છે અને અહીં આ સહન કરવામાં નહીં આવે. મહારાષ્ટ્ર અને દેશભરમાં અનેક જગ્યાએ હાઇવે બનાવવા માટે હિન્દુઓએ મંદિરોને બીજી જગ્યાએ શિફ્ટ કર્યા છે પણ જિહાદી પ્રવૃત્તિવાળા લોકો નેશનલ હાઇવે પર મઝાર બનાવી રહ્યા છે. આ માત્ર રાજકારણ માટે કરવામાં આવી રહ્યું છે.
નિતેશ રાણેએ કહ્યું હતું કે હાઇવે અધિકારીએ માલેગામથી એક મૌલવીને બોલાવીને ત્યાં મઝાર બાંધી હતી. જો આ મઝાર નહીં હટાવવામાં આવે તો લોકો આવીને નમાજ અદા કરશે અને ભીડ કરશે, જે હાઇવેની સુરક્ષાને લઈને જોખમ ઊભું થશે. જો આ મઝારને હટાવવામાં નહીં આવે તો હિન્દુઓ પણ અયોધ્યાથી સાધુ સંતોને બોલાવીને મંદિરનું નિર્માણ કરશે.
રાણેની આ અરજી બાદ પ્રશાસન દ્વારા મઝાર પર કાર્યવાહી તેને બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી. જોકે આ કાર્યવાહીને લઈને હાઇવે પર કોઈ હિંસાન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસને તહેનાત કરવામાં આવ્યા હતા.