મહારાષ્ટ્રના વાશિમમાં આખલો પડ્યો કૂવામાં, કારણ જાણશો તો ચોંકી જશો!

વાશિમઃ માણસોને તો આપણે ઘણીવાર રસ્તા વચ્ચે લડતા જોયા છે. પરંતુ મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં, બે બળદ વચ્ચેની લડાઈ દરમિયાન લડતા લડતા એક બળદ 35 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો. સદનસીબે કૂવામાં પાણી ખૂબ ઓછું હતું, જેના કારણે બળદને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી. એટલું જ નહીં, પણ સ્થાનિકોએ આખી રાત બળદની સંભાળ રાખી હતી તેમ જ સવારે ક્રેનની મદદથી તેને બચાવી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ આ ઘટના કારંજા તાલુકાના શિવનગર ગામની છે. ગામમાં બે બળદ વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી. ગામલોકોએ તેમને અલગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને બળદ આક્રમક રીતે લડતા રહ્યા. આ દરમ્યાન અચાનક એક બળદ પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને નજીકના 35 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો.
બળદ કૂવામાં પડતા ગામ લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અસફળ રહ્યા. રાત્રિનો સમય હોવાથી, તાત્કાલિક કોઈ બચાવ કામગીરી શક્ય નહોતી, પરંતુ ગ્રામજનોએ સુઝબુઝથી કામ લીધું અને બળદ માટે પ્રકાશ અને ખોરાકની વ્યવસ્થા કરી. સદનસીબે કૂવામાં પાણી ઓછું હોવાના કારણે બળદને કોઈ નુકસાન થયું નહીં.
બીજા દિવસે સવારે ગામલોકોએ ક્રેન મંગાવ્યું અને ગામનો એક યુવાન ક્રેનના હૂકની મદદથી કૂવામાં ઉતર્યો. બળદ કૂવાના એક ખૂણામાં ઊભો હતો. યુવકે હિંમત બતાવી અને બળદની ફરતે મજબૂત પટ્ટો બાંધી દીધો. આ દરમિયાન બળદે યુવાન પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ યુવકે ખૂબ જ સાવધાનીપૂર્વક પટ્ટો બાંધીને તેને ક્રેન સાથે જોડી દીધો. આ પછી બળદને ધીમે ધીમે કાળજીપૂર્વક ઉપર ખેંચવામાં આવ્યો.
થોડીવાર પછી બળદને કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. ઉપર આવતાની સાથે જ બળદ ભાગીને સલામત સ્થળે પહોંચી ગયો. ગામલોકોએ કહ્યું કે બળદ આખી રાત કૂવામાં જ રહ્યો અને અમે બધાએ સાથે મળીને સવાર સુધી તેને મદદ કરી. ક્રેનની મદદથી કરવામાં આવેલ આ બચાવ કાર્ય સફળ રહ્યું અને બળદનો જીવ બચી ગયો.