માલેતુજાર નબીરાએ નશામાં પોર્શ કાર ચલાવી બે એન્જિનિયરનો જીવ લીધો, 15 કલાકમાં જ જામીન મળી ગયા

મહારાષ્ટ્રના પુણેમાં એક સગીરે નશામાં બેફામ કાર ચલાવતા બે એન્જિનિયરોને હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના સાથીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે કારચાલક નબીરા સામે યરવડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ થોડા જ કલાકોમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ નબીરો પુણેના જાણીતા બિલ્ડર બ્રહ્મા રિયાલ્ટીના વિશાલ અગ્રવાલનો પુત્ર વેદાંત અગ્રવાલ છે. અકસ્માત સમયે વેદાંત સાથે તેના બે સગીર મિત્ર અને કારનો ડ્રાઇવર પણ હતો, છતાં વેદાંતે જાતે કાર ચલાવવાનો આગ્રહ રાખ્યો હતો અને પરિણામે આ અકસ્માત થયો હતો. વેદાંતના પિતાએ હાલમાં જ નવી પોર્શ કાર ખરીદી હતી, જેનું રજિસ્ટ્રેશન પણ હજી બાકી છે. તેથી ગાડી પર નંબર પ્લેટ પણ નહોતી.
આ દરમિયાન કોર્ટે તેને આ ઘટના પર નિબંધ લખવાની સજા કરી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે સગીર નબીરાના પિતા પુણેના પ્રખ્યાત બિલ્ડર છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ અનીસ દુધિયા અને અશ્વિની કોસ્ટા તરીકે થઈ છે. બંને રાજસ્થાનના છે. આ હાઈપ્રોફાઈલ કાર અકસ્માતના આરોપીને જિલ્લા અદાલતે 14 કલાકમાં જ જામીન આપ્યા હતા. આરોપી સગીર હોવાથી તેને પૂણેના જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
જોકે, કોર્ટે આ ચાર શરતો પર જામીન આપ્યા હતા
1) આરોપીએ 15 દિવસ સુધી ટ્રાફિક કોન્સ્ટેબલની સાથે ટ્રાફિક પોલીસની મદદ કરવાની રહેશે.
2) આરોપીએ મનોચિકિત્સક પાસેથી સારવાર લેવી પડશે.
3) જો આરોપી ભવિષ્યમાં કોઈ અકસ્માત જોશે તો તેણે અકસ્માત પીડિતોની મદદ કરવી પડશે.
4) કોર્ટે આરોપીને સજા તરીકે ‘સડક અકસ્માતની અસરો અને તેના ઉકેલો’ વિષય પર ઓછામાં ઓછા 300 શબ્દોનો નિબંધ લખવાનો આદેશ આપ્યો છે.