ભેંસોના તબેલાઓને મુંબઈની બહાર ખસેડવાનું શરૂ, જાણો કેમ?
મુંબઈ: મુંબઈગરાઓને તાજું દૂધ ઉપલબ્ધ કરાવનારા તબેલાઓ મુંબઈની બહાર જતા રહેવાના છે. સરકારે મુંબઈમાં તબેલાઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ પાલિકાને આપ્યો છે. પાલિકાના એક અધિકારીના જણાવ્યાનુસાર મુંબઈમાં ૨૬૩ તબેલાનું સર્વેક્ષણ કરાયું છે જેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ તબેલામાં ૯૯૫૯ જેટલા ગાય-ભેંસ છે. લાઇસન્સ ધરાવતા તબેલાની સંખ્યા ફક્ત ૫૯ છે જેમાં ૩,૬૦૭ પ્રાણીઓ છે. બીજી તરફ લાઇસન્સ ન ધરાવતા તબેલાની સંખ્યા ૨૦૬ છે જેમાં પશુઓની સંખ્યા ૬,૩૫૨ છે.
મલાડના ૩૪ તબેલામાં ૧૬,૩૫, ગોરેગાંવના ૩૨ તબેલામાં ૨૨૨૪ અને અંધેરી પૂર્વના તબેલામાં ૧૩૭૭ પ્રાણીઓ છે. ૨૦૦૫માં મુંબઈમાં તબેલાઓ પાસે લાઈસન્સ હતાં, ત્યાર બાદ કેટલ-ફ્રી સિટી કાયદો આવ્યો અને તબેલાઓને પાલઘરના દાપચેરીમાં ખસેડવાની યોજના બનાવવામાં આવી. આ કાયદાને બૉમ્બે મિલ્ક એસોસિયેશન દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ તેમને હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નિરાશા જ મળી હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મોટા ભાગના તબેલા કલેક્ટરની જમીન પર બન્યા છે. તેથી સરકારે તેને હટાવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવીને પાલિકાને પત્ર લખી તેને દૂર કરવાનું કહ્યું છે. ત્યાર બાદ તબેલાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. તબેલાઓ સામે કાર્યવાહી કરવાનો ડ્રાફ્ટ તૈયાર કરી કમિશનરની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આરેની વન્ય ખાતાની જમીન પર બનેલા તબેલાને દૂર નહીં કરાશે, કારણ કે તે શહેરના કાયદામાં આવતા નથી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
તબેલા ખસેડવામાં આવતી અડચણો
એક સમયે ગોરેગામ અને જોગેશ્ર્વરીમાં સૌથી વધુ તબેલા હતા. ૨૦૦૫માં આવેલા પૂર બાદ તેની સંખ્યા ઓછી થઇ ગઇ હતી. કોર્ટના આદેશ છતાં સરકાર અને પાલિકા આ તબેલાઓને ખસેડવામાં નિષ્ફળ રહી છે, કારણ કે પાલઘરમાં જ્યાં તેમને ખસેડવાના છે ત્યાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી અને ત્યાંથી મુંબઈ માટે દૂધ કેવી રીતે લાવવામાં આવશે એ એક સવાલ પણ ઊભો થાય છે.