આમચી મુંબઈ

બ્રિટિશ એરલાઇન્સના છબરડા છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ કરાતા અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા

જાણીતા લેખિકા કાજલ ઓઝાને રદ કરવો પડ્યો અમેરિકાનો કાર્યક્રમ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બ્રિટિશ એરવેઝ જેવી સારી અને સુવિધાપૂર્ણ ગણાતી એરલાઈન્સમાં પણ ઘણી વખત અસુવિધાનો અનુભવ થતો હોય છે. આવી જ એક ઘટના ૨૩મી એપ્રિલ મંગળવારે બની હતી જ્યારે મુંબઈથી લંડન જનારી ફ્લાઇટ રદ કરવામાં આવતા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા.

બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ નં. બીએ ૧૩૪ મુંબઈ-લંડન-સવારે સાડા નવ વાગ્યે ઉપડવાની હતી. અમદાવાદથી જનારા પેસેન્જર્સ માટે વિસ્તારાનું કનેક્શન ઉપલબ્ધ હતું. એટલે સવારે ૪.૫૦ની વિસ્તારાની ફ્લાઈટ બોર્ડ કરવા માટે જ્યારે પ્રવાસીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ખબર પડી કે મુંબઈથી લંડનની ફ્લાઈટ છેલ્લી ઘડીએ કેન્સલ થઈ ગઈ છે. ફ્લાઇટ કેન્સલ થવાને કારણે અનેક પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં જાણીતા લેખિકા અને વક્તા કાજલ ઓઝા વૈદ્ય પણ પ્રવાસ કરવાના હતા. એમનો પ્રવાસ પણ કેન્સલ થયો હતો અને છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થવાને કારણે તેમનો અમેરિકાનો કાર્યક્રમ પણ રદ કરવાની ફરજ પડી હતી.

કાજલ ઓઝાનો બીજા દિવસે એટલે કે બુધવારે રિચમંડ-વર્જિનિયામાં કાર્યક્રમ હતો. હિતેશભાઈ જોશીએ તેમને આમંત્રણ આપ્યું હતું અને એમની બિઝનેસ ક્લાસની
ટિકિટ માટે રૂ. ૫.૭૦ હજાર ખર્ચ્યા હતા. બ્રિટિશ એરવેઝની આ ફ્લાઈટ કેન્સલ થવાને કારણે અમેરિકાનો કાર્યક્રમ પણ રદ કરવો પડ્યો.

હિતેશ જોશીને આર્થિક નુકસાન તો થયું જ, પરંતુ આમંત્રિત મહેમાનોને કાર્યક્રમ કેન્સલ થયો છે એ જણાવવા માટે સમય બગાડવો પડ્યો અને માનસિક ત્રાસ પણ થયો. એક વ્યક્તિ માટે આ માનહાનિ જેવી પરિસ્થિતિ પણ થઈ શકે કારણ કે, અમેરિકા જેવા દેશમાં કેટલાય દિવસોથી ‘સેવ ધ ડેટ’ મોકલી હોય. એમના જુદા જુદા રાજ્યોમાં વસતા સગા-સંબંધી-મિત્રો પણ ફ્લાઈટ લઈને રિચમંડ પહોંચ્યા હતા. એમને પણ એમની ટિકિટો માથે પડી. આ બધા માટે બ્રિટિશ એરવેઝ જવાબદાર છે, કારણ કે, કોઈ આગોતરા નોટિસ કે જાણ વગર એમણે અચાનક ફ્લાઈટ કેન્સલ કરીને એક મહત્ત્વનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પાડી છે, એમ કાજલ ઓઝાએ જણાવ્યું હતું.

આ દરમિયાન બ્રિટિશ એરવેઝનો કોઇ સંપર્ક થઇ શક્યો નહોતો અથવા એરલાઇન્સ તરફથી સમાચાર લખવા સુધી કોઇ સ્પષ્ટતા પણ કરાઇ નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button