બ્રેકિંગઃ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પર ફાયરિંગ, આ નેતાએ કરી સરકારની ટીકા

મુંબઈઃ ઉલ્હાસનગરમાં શિવસેના-ભાજપના નેતાઓને વચ્ચે મારપીટ-ફાયરિંગના બનાવ પછી આજે રાતના શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના એક નેતા પર ફાયરિંગનો બનાવ બનતા ફરી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ઠાકરે જૂથના નેતાએ પણ મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.
મુંબઈના દહીસર ખાતે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકર પર અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ કરવાનો બનાવ બન્યો છે. તેમને ત્રણ ગોળીઓ વાગી છે, જ્યારે આ બનાવ પછી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અભિષેક ઘોસાળકર ભૂતપૂર્વ નગરસેવક છે. હાલમાં મળતી પ્રાથમિક માહિતી અનુસાર આંતરિક વિવાદને લઈને ફાયરિંગ કર્યું હોઈ શકે છે. આ બનાવ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં એક અજાણ્યા શખસે ગોળી મારી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. આરોપીએ ખૂદને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવ મુદ્દે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુંડારાજ છે. હાલમાં રાજ્યમાં શું થઈ રહ્યું છે. અહીં ગેંગસ્ટર્સની સરકાર છે, એવો આદિત્ય ઠાકરેએ મોટો સરકાર પણ આરોપ મૂક્યો હતો.
મહારાષ્ટ્રમાં રાજકારણીઓ પર હવે હિંસક હુમલાના વધતા કિસ્સાઓને કારણે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઊભા થઈ રહ્યા છે, એમ સૂત્રોએ દાવો કર્યો હતો.