મીઠી નદી પુન:જીવિત પ્રોજેક્ટમાં સ્યુએજ ટનલનું બીજા તબક્કાનું ‘બ્રેક-થ્રૂ’ સફળ
પ્રોજેક્ટનું ૬૭ ટકા કામ પૂર્ણ: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના પ્રોજેક્ટ પૂર્ણ થશે
૬૪ ટકા કામ પૂરું
પહેલી ઑક્ટોબર, ૨૦૨૧થી પ્રોજેક્ટનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે, જે ૪૮ મહિનામાં એટલે કે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધી પૂર્ણ કરવામાં આવવાનો છે. કુલ લંબાઈ ૬.૭૦ કિલોમીટરને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ૩.૫૬ કિલોમીટર લંબાઈ અંતરનું કામ પૂરું થયું છે. એટલે કે લગભગ ૬૪ ટકા કામ પૂરું થયું છે. પૂરા પ્રોજેક્ટની મલજલ (ગંદા પાણી) વહન કરવાની ક્ષમતા પ્રતિદિન ૪૦૦ મિલિયન લિટરની છે.
ત્રીજા તબક્કાનું કામ ચાલુ થશે
૧૪નવેમ્બર, ૨૦૨૨ના ધારાવી સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ત્રણ તબક્કામાંથી પહેલા તબક્કાની ટનલ માટે ખોદકામ ચાલુ કરવામાં આવ્યું હતું. લગભગ ૧.૮૩૫ કિલોમીટર લંબાઈનું ખોદકામ પૂરું થયા બાદ ૧૩ જૂન, ૨૦૨૩ રોજ કુર્લા-ઉદ્યાન પાસે પહેલો ‘બ્રેક-થ્રૂ’ સફળતાપૂર્વક પાર પડયો હતો. ત્યારબાદ મંગળવારે સાત ફેબ્રુઆરી, ૨૦૨૪ના કનાકિયા ઝિલિઓન, લાલબહાદુર શાસ્ત્રી માર્ગ પાસે બીજા ‘બ્રેક-થ્રૂ’ પાર પડ્યો હતો. હવે ત્રીજા તબક્કામાં સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ જંકશન શાફ્ટથી બાપટ નાળા રસ્તા પર અંડર ગ્રાઉન્ડ ખઓદકામ ચાલુ કરવામાં આવવાનું છે. ત્રીજા અને અંતિમ તબક્કામાં ટનલનું ખોદકામ જલદી ચાલુ થશે, તેની કુલ લંબાઈ ૩.૧૦ કિલોમીટરની હશે.
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની મહત્ત્વની નદી ગણાતી મીઠી નદીના પાણીની ગુણવત્તા સુધારવા માટે મીઠી નદીને પુન:જીવિત કરવાનો પ્રોજેક્ટ ચાર તબક્કામાં હાથ ધરવામાં આવ્યો છે, જે હેઠળ અંડરગ્રાઉન્ડન ટનલમાંથી ગંદુ પાણી ધારાવીના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રક્રિયા માટે લઈ જવામાં આવવાનું છે. ત્રણ તબક્કામાં બાંધવામાં આવી રહેલી ટનલનું બીજા તબક્કામાં સ્યુએજ ટનલનું ‘બ્રેક-થ્રૂ’ કનાકિયા ઝિલિઓન (સાંતાક્રુઝ-ચેંબુર લિંક રોડ), લાલ બહાદુર શાસ્ત્રી રોડ સાત ફેબ્રુઆરી, ૨૦૨૪ના સફળતા પૂર્વક પાર પડ્યું હતું.
બાપટ નાલા અને સફેદ પૂલ નાળાથી ધારાવી સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોેજેક્ટ સુધી આ ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. ૨.૬૦ મીટર વ્યાસની અંડરગ્રાઉન્ડ ટનલ ખોદવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. બાપટ નાળું અને સફેદ પૂલ નાળામાંથી મીઠી નદીમાં લગભગ ૧૬૮ મિલિયન લિટર પાણી પ્રતિદિન પાણી આ અંડરગ્રાઉન્ડ ટનલ દ્વારા ધારાવીમાં આવેલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ ગંદાપાણી પર પ્રક્રિયા કરીને માહિમ નિસર્ગ ઉદ્યાન પાસે ખાડીમાં છોડવામાં આવશે. આ પ્રોજેક્ટને કારણે મીઠી નદીનું પાણી સ્વચ્છ રહેવામાં મદદ મળશે અને પર્યાવરણનું પણ સંતૂલન જળવાઈ રહેશે એવો દાવો પાલિકાએ કર્યો છે.
ગંદુ પાણી(સ્યુેજ વોટર) મીઠી નદીમાં સીધું ના ઠલવાય તે માટે પાણી પર પ્રક્રિયા કરવા માટે આ પ્રોજેક્ટ મહત્ત્વનો છે. મીઠી નદીના પાણી પર પ્રક્રિયા બાદ તે ખાડીમાં ઠલવાશે તો તેનાથી પર્યાવરણ અને દરિયામાં રહેલી જૈવિક જીવોને પણ ફાયદો થશે.
મુંબઈ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ હેઠળ આ અંડર ગ્રાઉન્ડ ટનર બાંધવામાં આવી છે. ટનલની કુલ લંબાઈ ૬.૭૦ કિલોમીટર તો સરેરાશ તેની ઊંડાઈ ૧૫ મીટરની છે.