16.49 કરોડનું કોકેઇન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો બ્રાઝિલિયન મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો…
મુંબઈ: 16.49 કરોડની કિંમતનું કોકેઇન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા બ્રાઝિલિયન નાગરિકને કસ્ટમ્સ વિભાગે મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. પ્રવાસીના પેટમાંથી કુલ 170 કૅપ્સ્યૂલ્સ બહાર કઢાવવા માટે કસ્ટમ્સના અધિકારીઓ અને હોસ્પિટલના ડોક્ટરોને પાંચ દિવસ લાગ્યા હતા, જેમાંથી 1.649 કિલોગ્રામ કોકેઇન હતું.
Also read : મંત્રાલયે ૪૦૦ કર્મચારીને પાઠવી નોટિસ, જાણો કારણ?
કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) ધરપકડ કરેલા બ્રાઝિલિયનની ઓળખ ફર્નાન્ડો જેરોનિમો સાંતોસ દા સિલ્વા (24) તરીકે થઇ હતી. ફર્નાન્ડોને કોર્ટમાં હાજર કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
ફર્નાન્ડો 27 જાન્યુઆરીએ પેરિસ વાયા સાઉ પાઉલો (બ્રાઝિલ)થી ફ્લાઇટમાં મોડી રાતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો હતો, જ્યાં એઆઇયુના અધિકારીએ શંકાને આધારે તેને આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવાતાં કશું જ મળી આવ્યું નહોતું, પણ ઊલટતપાસમાં તેણે ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. એ સમયે ફર્નાન્ડોને અસ્વસ્થતા મહેસૂસ થતાં તેને એઆઇયુ રૂમની બાજુમાં વૉશરૂમમાં લઇ જવાયો હતો, જ્યાં તેણે 26 કૅપ્સ્યૂલ્સ બહાર કાઢી હતી.
પેટમાં વધુ કૅપ્સ્યૂલ્સ હોવાનું ફર્નાન્ડોએ જણાવતાં તેને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં 24 કલાક તેના પર નજર રાખવામાં આવી હતી. આખરે શનિવારે તેના પેટમાંથી વધુ 144 કૅપ્સ્યૂલ્સ બહાર કાઢવામાં આવી હતી.
Also read : વસઇમાં પિસ્તોલની ધાકે જ્વેલર્સની દુકાનમાંથી 71 લાખનાં ઘરેણાંની લૂંટ…
અત્રે ઉલ્લેખનીય છે કે 28થી 31 જાન્યુઆરી વચ્ચે કસ્ટમ્સ વિભાગે બે કેસમાં 50 કરોડ રૂપિયાનો ગાંજો પકડી પાડ્યો હતો, જે બેંગકોકથી પાંચ પ્રવાસી લાવ્યા હતા. એ સિવાય 93 લાખ રૂપિયાના હીરા અને 1.5 કરોડનું સોનું પણ અન્ય પ્રવાસીઓ પાસેથી જપ્ત કરાયું હતું.