આમચી મુંબઈ

બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાંથી પેટ્રોલ, ડીઝલ ચોરવાનો પ્રયાસ: 13 આરોપી ઝડપાયા

મુંબઈ: ચેમ્બુરમાં બીસીપીએસ કંપનીની પાઇપલાઇનમાં ટૅપિંગ કરી પેટ્રોલ-ડીઝલ ચોરવાનો પ્રયાસ કરવા બદલ આરસીએફ પોલીસે 13 જણની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ મુંબઈ સહિત થાણે, નવી મુંબઈના વિવિધ પોલીસ સ્ટેશનમાં આવા ગુના દાખલ હોઇ તેમણે ગુનો આચરવા માટે વાપરેલા ગેસ ટેકર, લોખંડના ક્લેમ્પ હસ્તગત કરાયાં હતાં.

આરસીએફ પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ રિયાઝ અહમદ મુલ્લા, સલીમ મોહંમદ શેખ, વિનોદ દેવચંદ પંડિત, ગોપાલ બ્રાહ્મણલાલ, મોહંમદ ઇરફાન પઠાણ શ્રીકાંત લોંઢે, વિનાયક મિરાશી, અહમદ ખાન પઠાણ, નિશાન જગજીતસિંહ, મૈનુદ્દીન મોહંમદ શેખ, મુસ્તફા મંઝુરઅલી ખાન, નાસીર શૌકતઅલી ચૌહાન અને ઇમ્તિયાઝ આરિફ લોહારર તરીકે થઇ હતી. આરોપી રિયાઝ મુલ્લા, સલીમ શેખ અને વિનોદ પંડિત મુખ્ય સૂત્રધારો છે.

આપણ વાચો: લોજિસ્ટિક સેન્ટરમાંથી લોખંડના સળિયા ચોરવાનો પ્રયાસ: નવ વિરુદ્ધ ગુનો દાખલ…

આરસીએફ પોલીસ સ્ટેશનની હદમાં ગડકરી રોડ પર કંપનીના ગેટ નજીક જમીનની નીચે આવેલી 18 ઇંચ વ્યાસની મુંબઈ-મનમાડ મલ્ટિપ્રોડક્ટ પાઇપલાઇનમાંથી 14 નવેમ્બર, 2025ના પેટ્રોલ-ડીઝલ ચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે બીપીસીએલ કંપનીના મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.

પોલીસે ઘટનાસ્થળે તપાસ આદરી હતી અને ત્યાંથી મળી આવેલા પુરાવાને તથા મળેલી માહિતીને આધારે પ્રથમ ચેમ્બુરમાં રહેતા વિનોદ પંડિતને ઝડપી પાડ્યો હતો. વિનોદ પંડિતની પૂછપરછમાં અન્ય આરોપીઓનાં નામે સામે આવ્યાં હતાં. બાદમાં પોલીસે ગુનામાં સંડોવાયેલા બીજા 12 જણને પણ પકડી પાડી લોકઅપભેગા કરી દીધા હતા.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button