ફ્લેટમાં આતંકવાદી ઘૂસ્યો હોવાનો કંટ્રોલ રુમને કોલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ…

મુંબઈ: બોરીવલીની સોસાયટીમાં આતંકવાદી ઘૂસી ગયો હોવાની પોલીસને કોલ કર્યા પછી મુંબઈ પોલીસનું પ્રશાસન દોડતું થઈ ગયું હતું. ટેરર કોલ મળ્યા પછી તેની માહિતી ખોટી હોવાની જાણ થતાં પોલીસે કોલ કરનારાની ધરપકડ કરી હતી.
પોલીસના કંટ્રોલ રુમને ખોટો કોલ કરનારાની પોલીસે અટક કરી હતી. તેની ઓળખ ભૂષણ નારાયણ પાલકર (58) તરીકે ઓળખ કરવામાં આવી હતી. બોરીવલી પશ્ચિમમાં રહેનારો પાલકર એર ઈન્ડિયામાં નોકરી કરે છે.
સોસાયટીમાં આતંકવાદીની જાણ થતા પોલીસ તરત એક્શનમાં આવી ગઈ હતી અને ત્યારબાદ મોટા પ્રમાણમાં પોલીસના જવાનો સાથે આ આખા વિસ્તાર અને તેની આસપાસના રસ્તાઓને સંપૂર્ણપણે ઘેરાબંધી કરવામાં આવી હતી, ત્યાર બાદ પોલીસે સોસાયટીના ફ્લેટની તપાસ કરી હતી પણ તે ઘરના માલિક પપ્પુરામ સુતાર (પાલી, રાજસ્થાન રહેવાસી) પ્રજાપતિ અને તેમનો પરિવાર છેલ્લા બે મહિનાથી ભાડાં પર રહેતા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે આ મામલે વધુ તપાસ કરતાં પ્રજાપતિની એક ગિફ્ટ શૉપ હોવાની માહિતી સામે આવી હતી. આ ઘરના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે પ્રજાપતિ પરિવારને આ ઘર ભાડે આપવાનું જણાવ્યું હતું. પોલીસે આ ઘરની તપાસ કરી પણ આ ઘરમાંથી કઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોતી.
આતંકવાદી ઘૂસ્યો હોવાની માહિતી ખોટી હોવાનું જાણ થતાં પોલીસે પાલકરની ધરપકડ કરી હતી. પોલીસે પાલકરથી વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે પાલકરે આ ઘરના માલિક પાસેથી ઘર ખરદીવા મામલે વાત કરી હતી પણ તેણે મનાઈ કરતાં પાલકરે આ કાવતરું રચ્યું હતું, જેથી ઘરના માલિક આ ઘરને વેચવા મજબૂર થઈ જાય.
આ મામલે હવે પાલકર સામે ગુનો નોંધી તેમની અટક કરવામાં આવી છે અને આરોપીને હોલિ-ડે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા અને પાલકરને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.