છેલ્લી ઘડી સુધી પૂલ પર રાહ જોવા મજબૂર બોરીવલીના પ્રવાસીઓ
ટ્રેનોનો સમય-પ્લેટફોર્મની અનિશ્ર્ચિતતા બન્યો માથાનો દુખાવો
મુંબઈ: પશ્ર્ચિમ રેલવે વિવિધ સ્ટેશનો પર સુવિધાઓ પૂરી પાડવાની યોજના હેઠળ બોરીવલી સ્ટેશનનો વિકાસ તો કર્યો, પણ તેની સાથે પ્રવાસીઓની હાલાકી પણ વધી હોય એવું જણાઇ રહ્યું છે. બોરીવલીમાં કુલ ૧૦ રેલવે સ્ટેશન છે અને વિરારથી આવતી ચર્ચગેટ ફાસ્ટ લોકલ મોટાભાગે બોરીવલીથી ડાઇરેક્ટ અંધેરી સુધી ફાસ્ટ હોવાથી પ્રવાસીઓનો તેમાં ધસારો રહે છે. તેમ છતાં વિરારથી આવતી ફાસ્ટ લોકલની સમયની તો નિશ્ર્ચિતતા તો રહેતી નથી, પરંતુ કયા પ્લેટફોર્મ પર આવશે એ પણ પ્રવાસીઓને ખબર હોતી નથી.
પશ્ર્ચિમ રેલવેમાં હાલમાં સામાન્ય લોકલની જગ્યાએ એસી લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે જેથી કોઇ પણ લોકલ સમયસર આવતી નથી. એવામાં લોકલ કયા પ્લેટફોર્મ પર આવશે એ પણ પ્રવાસીઓને ખબર હોતી નથી. સામાન્ય રીતે વિરાર તરફથી આવતી ચર્ચગેટ ફાસ્ટ લોકલ પ્લેટફોર્મ નં. પાંચ અથવા પ્લેટફોર્મ નં. સાત પર આવતી હોય છે, પરંતુ જો લાંબા અંતરની ટ્રેનો વચ્ચે આવે તો પ્લેટફોર્મ નં. આઠ, નવ પર પણ તે વાળવામાં આવે છે. હવે તો ઈન્ડિકેટર કોઇ પણ પ્લેટફોર્મ પર લગાવવામાં આવે છે અને છેલ્લી ઘડીએ તે બદલીને અન્ય પ્લેટફોર્મ પર ટ્રેન રવાના કરવામાં આવે છે તેથી ઘણી વખત પ્રવાસીઓની ભાગદોડ થઇ જતી હોય છે. આવામાં વૃદ્ધો પ્રવાસીઓના હાલ બેહાલ થઇ જતા હોય છે. લિફ્ટ, એસ્કેલેટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ છેલ્લી ઘડીએ કરવામાં આવેલા ફેરફારને કારણે સમયસર અન્ય પ્લેટફોર્મ પર જવું શક્ય થતું નથી. ઘણી વખત જે તે પ્લેટફોર્મ પર પહોંચી પણ જવાય છે, પરંતુ ત્યાં સુધી ટ્રેન શરૂ થઇ જતી હોય છે. ઘણા પ્રવાસીઓ જીવના જોખમે ચાલતી ટ્રેનો પણ પકડતા જોવા મળે છે. એવામાં જાનહાનિ થવાની પણ શક્યતા રહે છે.
રેલવેની અનિશ્ર્ચિતતાને કારણે હવે પ્રવાસીઓ જે તે પ્લેટફોર્મ પર ટ્રેન આવવાની હોય ત્યારે પૂલ પર જ રહે છે અને દૂરથી ટ્રેન પ્લેટફોર્મ પર આવતી દેખાય ત્યારે જ દાદર નીચે ઊતરીને ટ્રેન પકડે છે. તેને કારણે પૂલ પર પણ પ્રવાસીઓની ભીજ જામી જાય છે અને પગથિયા નીચેની તરફ આવતા ટ્રેનના કોચમાં વધુ ભીડ થતી હોય છે. પ્રવાસીઓ પાસે આ સિવાય કોઇ પર્યાય રહ્યો નથી.
પીક અવર્સમાં થતા આવા ફેરફારને કારણે પ્રવાસીઓની ભાગદોડથી કોઇ મોટી દુર્ઘટના પણ બનવાની શક્યતા છે. દિવસ, બપોર હોય કે રાત ટ્રેનો કયા પ્લેટફોર્મ પર આવશે તેની અનિશ્ર્ચિતતાથી પ્રવાસીઓ હેરાન થઇ ગયા છે. ટ્રેનો મોડી આવે છે અને એવામાં કયા પ્લેટફોર્મ પર આવશે એ અંગે અનિશ્ર્ચિતતાથી પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
એમ-ઈન્ડિકેટર હોય કે યાત્રી એપ ટ્રેનોના સમય સાથે પ્લેટફોર્મ નંબર નક્કી કરાયા છે, પરંતુ છેલ્લી ઘડીએ તેમાં કરવામાં આવતા બદલાવથી હેરાનગતિ વધી ગઇ છે. બોરીવલીના કોઇ પણ પ્લેટફોર્મ પર નજર મારીએ તો પ્રવાસીઓ દહિસરની દિશા તરફ નજર મારતા જ જોવા મળશે અને જેમ ટ્રેન દેખાય તેમ તાત્કાલિક પ્લેટફોર્મ પર ઊતરતા હોય છે.
રેલવે તરફથી આ તરફ ધ્યાન આપવામાં આવે એવી પ્રવાસીઓ તરફથી માગણી કરવામાં આવી રહી છે.