આમચી મુંબઈ

બોરીવલીના કચ્છી સાયબર સિક્યોરિટી એક્સપર્ટે અકસ્માતમાં જીવ ગુમાવ્યો…

પુણેમાં લેક્ચર આપવા વહેલી સવારે બોરીવલીથી કારમાં નીકળ્યો: ડ્રાઈવરનો કાર પર કાબૂ ન રહેતાં રસ્તાને કિનારે ઊભેલા ક્ધટેનર સાથે ટકરાઈ: કારનો કચ્ચરઘાણ વળતાં ડ્રાઈવરનું પણ મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: પુણેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થામાં લેક્ચર આપવા વહેલી સવારે બોરીવલીથી કારમાં નીકળેલા કચ્છી સાયબર સિક્યોરિટી એક્સપર્ટનું માર્ગઅકસ્માતમાં કરુણ મૃત્યુ થયું હતું. પૂરપાટ દોડતી કારના સ્ટિયરિંગ પર ડ્રાઈવરનો કાબૂ ન રહેતાં કાર રસ્તાને કિનારે ઊભેલા ક્ધટેનર સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો ખુરદો બોલાઈ ગયો હતો અને ડ્રાઈવરે પણ જીવ ગુમાવ્યો હતો.

શિરગાંવ પોલીસ સ્ટેશનના અધિકારી મુરાલી કોકાતરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે અકસ્માત શુક્રવારની સવારે 8.15 વાગ્યાની આસપાસ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર પુણેના માવળ તાલુકાના શિરગાંવ નજીક થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બન્નેની ઓળખ સચિન મહેન્દ્રભાઈ દેઢિયા (46) અને પરમેશ્ર્વર શિવલિંગ વનેર (57) તરીકે થઈ હતી.

બોરીવલી પશ્ચિમમાં એક્સર રોડ ખાતેની ઈમારતમાં રહેતો સચિન સાયબર સિક્યોરિટી એક્સપર્ટ અને એથિકલ હૅકર તરીકે ઓળખાય છે. મુંબઈ પોલીસને સાયબર ગુના ઉકેલવામાં તે મદદરૂપ થતો હતો. લિંક્ડઈન પ્રોફાઈલ પ્રમાણે તે સ્કાયનેટ સિક્યોર સોલ્યુશનનો સ્થાપક અને સીઈઓ હતો.

પોલીસના જણાવ્યા મુજબ સીએની એક સંસ્થામાં લેક્ચર આપવા માટે સચિન શુક્રવારની વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો. તેને લેવા માટે સંબંધિત કંપની દ્વારા ઈનોવા કાર એમએચ-12-એક્સએમ-9945 મોકલવામાં આવી હતી. કાર તુળજાપુરમાં રહેતો પરમેશ્ર્વર વનરે ચલાવી રહ્યો હતો.

પૂરપાટ દોડતી કાર શિરગાંવ નજીક પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તાને કિનારે ઊભેલા ક્ધટેનર એમએચ-43-બીપી-4031 સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના બોનેટના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

બનાવની જાણ થતાં શિરગાંવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બેભાન હાલતમાં બન્નેને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
મુંબઈ સમાચારે’ સચિનના પિતા મહેન્દ્રભાઈના મોબાઈલ નંબર પર સંપર્ક સાધ્યો હતો. કૉલ સચિનની બહેન ઊર્વિએ રિસીવ કર્યો હતો. આ સમાચારથી દેઢિયા પરિવાર આઘાતમાં હોવાથી કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં ન હોવાનું ઊર્વિનું કહેવું છે. જોકે તે માત્ર એટલું બોલી હતી કે મારો ભાઈ અવારનવાર ટ્રેનિંગ અને લેક્ચર સંબંધે મુંબઈ બહાર જતો હોય છે. શુક્રવારે પણ લેક્ચર માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યો હતો. અકસ્માતના લગભગ અડધો કલાક પછી પોલીસનો અમને આ દુ:ખદ સમાચાર આપવા ફોન આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button