
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીની ઑફિસેથી ઘરે જવા કારમાં નીકળેલા બોરીવલીના વેપારીનું કાંદિવલીથી કથિત અપહરણ કરી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગવા પ્રકરણે પોલીસે વેપારીના ડ્રાઈવર સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓએ 60 લાખ રૂપિયા વસૂલીને વેપારીને છોડ્યો હતો અને આખું ષડ્યંત્ર વેપારીના ડ્રાઈવરે જ ઘડ્યું હોવાની ચોંકાવનારી માહિતી પોલીસ તપાસમાં સામે આવી હતી.
સમતાનગર પોલીસે સોમવારે પકડી પાડેલા ત્રણેય આરોપીની ઓળખ સાગર પવાર (32), કિરણ ભોસલે (34) અને મંગેશ કરાંડે (35) તરીકે થઈ હતી. આરોપી પવાર ફરિયાદી વેપારીનો ડ્રાઈવર હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા મુજબ ઘટના 8 મેની રાતે બની હતી, પરંતુ ડરી ગયેલા વેપારીએ પોલીસ ફરિયાદ રવિવારે નોંધાવી હતી. બોરીવલી પૂર્વમાં રહેતા 45 વર્ષના ફરિયાદીની ઑફિસ અંધેરીમાં આવેલી છે. ઘટનાની રાતે ડ્રાઈવર પવાર અને મિત્ર સાથે ફરિયાદી ઘરે જવા નીકળ્યા હતા.
આ પણ વાંચો: બિલ્ડરના કર્મચારીનું અપહરણ કરી,ઈલેક્ટ્રિક શૉક આપનારા બે સામે ગુનો
ફરિયાદીની કાર સાતે 9 વાગ્યાની આસપાસ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કાંદિવલી નજીક પહોંચી ત્યારે સિગ્નલને કારણે ઊભી રહી હતી. ફરિયાદીના મિત્ર કાંદિવલીમાં ઊતરી ગયા પછી કારની પાછલી સીટ પર ફરિયાદી એકલા બેઠા હતા.
ફરિયાદમાં જણાવાયું હતું કે બે અજાણ્યા શખસ જબરદસ્તી કારમાં ઘૂસ્યા હતા અને ફરિયાદીની બાજુમાં બેસી ગયા હતા. ચાકુ જેવા શસ્ત્રની ધાકે કાર દહિસર પૂર્વમાં ગોકુળ આનંદ હોટેલ નજીક લઈ જવામાં આવી હતી. રસ્તાને કિનારે કાર ઊભી રખાવી બન્ને શખસે વેપારી પાસે પાંચ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. રૂપિયા ન આપે તો ફરિયાદી અને તેના પરિવારજનોને જાનથી મારવાની ધમકી આરોપીએ આપી હતી.
જોકે આટલી રકમ અત્યારે પોતાની પાસે ન હોવાનું વેપારીએ કહેતાં તેની મારપીટ કરવામાં આવી હતી. બાદમાં કાર વેપારીના ઘર નજીક લઈ જવામાં આવી હતી. ડ્રાઈવર પવાર વેપારીના ઘરમાંથી 60 લાખ રૂપિયા લઈ આવ્યો હતો. આ રકમ લઈને બન્ને વેપારી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: કાંદિવલીના યુવકની અપહરણ બાદ હત્યા: મુખ્ય આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો
આ પ્રકરણે સમતાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં બન્ને આરોપી ઝડપાઈ ગયા હતા. તેમણે આપેલી માહિતી પરથી ડ્રાઈવર પવારની પણ ધરપકડ કરાઈ હતી. પવારે જ નાણાં માટે કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું.