મુંબઈને મળશે નવી હાઈકોર્ટ ઈમારતઃ જાણો ક્યારે છે ભૂમિપૂજન

મુંબઈઃ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી બોમ્બે હાઈકોર્ટની ઈમારત એક લેન્ડમાર્ક છે અને સાઉથ મુંબઈની ઘણી જૂની કોલોનિયલ સ્ટાઈલ ઈમારતોમાંની એક છે, પરંતુ કોર્ટ નાની પડતી હોય અને જગ્યાનો અભાવ હોવાથી હવે નવી ઈમારત મુંબઈ સહિત મહારાષ્ટ્રને મળવાની છે. આ માટે રાજ્ય સરકાર દેવ દિવાળીને દિવસે એટલે કે 5મી નવેમ્બરે ભૂમિપૂજન કરશે, તેમ અહેવાલ પરથી જાણવા મળ્યું છે. આ નવી ઈમારત બાન્દ્રા પૂર્વ ખાતે બનશે. હાલની બોમ્બે હાઈકોર્ટની ઈમારત 146 વર્ષ જૂની છે.
દેવ દિવાળી સાથે આ દિવસે ગુરુ નાનક જયંતી પણ છે. આ અવસરને ધ્યાનમાં લઈ ચીફ જસ્ટિસ ભુષણ ગવઈ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર હાજર રહેશે.
4,217 કરોડના ખર્ચે તૈયાર થશે નવી ઈમારત
પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવી ઈમારત માટેનું ફરીથી એક ટેન્ડર બનાવવામાં આવ્યું છે. અગાઉ આ માટેનો ખર્ચ રૂ. 3,750 કરોડ આંકવામાં આવ્યો હતો, જે હવે રૂ. 4,217 કરોડ રહેશે, તેમ શુક્રવારે જાહેર થયેલી PWDની નોટિસમાં જણાવવામાં આવ્યું છે. આ ઈમારત 30 એકરમાં ફેલાયેલી રહેશે. લગભગ 60 લાખ સ્કવેરફીટમાં બાંધકામ થશે. આ ઈમારતની ડિઝાઈન આર્કિટેક્ટ હાફિઝ કોન્ટ્રાક્ટરે બનાવી છે. આ માટે PWDએ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ ડિઝાઈન વિજેતા બની હતી અને હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ તેને મંજૂરી આપી હતી.
આવી હશે નવી ઈમારત
નવી હાઈકોર્ટમાં 75 કોર્ટરૂમ હશે અને દરેક રૂમમાં એક વેઈટિંગ એરિયા હશે. દરેક પ્રવેશદ્વારે જજ અને કોર્ટના સ્ટાફ માટે અને એડવોકેટ્સ અને અરજકર્તાઓ માટે અલગ અલગ એન્ટ્રી આપવામાં આવશે. હાલમાં ફોર્ટમાં આવેલી કોર્ટ અને પરિસરમાં જગ્યાની અછત વર્તાઈ રહી છે. 1878માં તે સમયે 15 જજ અને સાત કોર્ટ બનાવવામાં આવ્યા હતા.
હાલમાં અહીં 29 કોર્ટ અને 35 જજ બેસે છે અને સાથે અમુક મેકશિફ્ટ્સ ઓફિસ પણ છે. આ સાથે બોમ્બે હાઈકોર્ટમાં 94 જજની નિયુક્તિને પરવાનગી મળી છે. હાલની કોર્ટમાં પડતી અસુવિધાઓને જોતા નવી કોર્ટ ઈમારતની માગણી વર્ષોથી થતી હતી. 5મીએ ભૂમિપૂજન થયા બાદ કોર્ટ ઈમારત ક્યારે ઊભી થાય છે, તે જોવાનું રહ્યું છે. આશા રાખીએ નવી ઈમારત પણ જલદી ઊભી થાય અને લોકોને ન્યાય પણ સમયસર મળે.
આ પણ વાંચો…આ કારણે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાના કર્મચારીઓની અરજીની સુનાવણી ન કરી



