Bombay High court: મુસ્લિમ મહિલાઓની તરફેણમાં બોમ્બે હાઈકોર્ટનો મોટો નિર્ણય, છૂટાછેડા પછી ફરીથી લગ્ન કરશે તો…
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી(Divorcee) મુસ્લિમ મહિલાઓના પક્ષમાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. અદાલતે છૂટાછેડા પછી ભરણપોષણ સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા તેના પૂર્વ પતિ પાસેથી કોઈપણ શરત વિના ભરણપોષણ મેળવવા માટે હકદાર છે, ભલે મહિલાએ બીજા લગ્ન કરી લીધા હોય.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રાજેશ પાટીલે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે, ‘મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ ઓન ડિવોર્સ) એક્ટ-1986 (MWPA)નો સાર એ છે કે છૂટાછેડા લીધેલી મહિલા તેના ભરણપોષણ માટે ભૂતપૂર્વ પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. તેણે ફરીથી લગ્ન કર્યા છે તેનાથી કોઈ ફરક નથી પડતો.’
ભૂતપૂર્વ પત્નીને એકસાથે ભરણપોષણ ભથ્થું આપવાના અગાઉના બે આદેશોને અરજદાર દ્વારા પડકારમાં આવ્યા હતા, ન્યાયમૂર્તિ પાટીલે અરજી નકારી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કલમ 3(1)(a) હેઠળ પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા જ પત્ની ભરણપોષણનો દાવો કરવા માટે પૂરતા છે. આવો અધિકાર… છૂટાછેડાના દિવસે જ સ્પષ્ટ થઈ જાય છે.
કેસની જાણકારી મુજબ દંપતીના લગ્ન ફેબ્રુઆરી 2005માં થયા હતા અને ડિસેમ્બર 2005માં એક પુત્રીનો જન્મ થયો હતો. આ પછી પતિ નોકરી માટે વિદેશ ગયો હતો, જેથી જૂન 2007માં પત્ની અને તેમની પુત્રી તેના માતા-પિતા સાથે રહેવા ચાલી અગિ હતા. આ પછી, એપ્રિલ 2008 માં, પતિએ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મહિલાને છૂટાછેડા આપી દીધા.
આવી સ્થિતિમાં, મહિલાએ MWPA હેઠળ પોતાના અને તેની પુત્રીના ભરણપોષણ માટે અરજી કરી. ઓગસ્ટ 2014માં મહિલાની અરજી પર સુનાવણી કરતી વખતે, ચિપલુણ મેજિસ્ટ્રેટે તેને રૂ. 4.3 લાખનું ભરણપોષણ ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ મે 2017માં ખેડ સેશન્સ કોર્ટે આ રકમ વધારીને 9 લાખ રૂપિયા કરી દીધી.
પતિએ આ આદેશને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો, જ્યાં કોર્ટને કહેવામાં આવ્યું કે તેણે એપ્રિલ 2018માં તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા અને મહિલાએ ઓક્ટોબર 2018માં ફરીથી લગ્ન કર્યા હતા. અરજદારના વકીલે જણાવ્યું હતું કે મારા ક્લાઈન્ટની પૂર્વ પત્નીએ બીજા લગ્ન કર્યા હોવાથી તેનું ભરણપોષણ ચૂકવવા જવાબદાર નથી. તેણીએ કોર્ટને જણાવ્યું હતું કે તેણી ફરીથી લગ્ન કરે ત્યાં સુધી જ તે આ રકમ માટે હકદાર છે.
જેના પર ચુકાદો આપતા જસ્ટિસ પાટીલે જણાવ્યું હતું કે MWPA માં ઉલ્લેખિત રક્ષણ “બિનશરતી” છે અને કાયદામાં ક્યાંય પણ “પુનઃલગ્નના આધારે ભૂતપૂર્વ પત્નીને ઉપલબ્ધ સુરક્ષાને મર્યાદિત કરવાનો હેતુ” નથી.