અન્યોને ગુલામીમાં ધકેલીને સ્વચ્છતા હાંસલ કરી શકાતી નથી: હાઇકોર્ટ

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCGM)ને 580 કામદારોને કાયમી કામદાર તરીકે જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો અને નોંધ્યું હતું કે નાગરિકોના એક વર્ગ માટે સ્વચ્છતા અન્યને ગુલામીમાં સામેલ કરીને પ્રાપ્ત કરી શકાતી નથી.
ન્યાયમૂર્તિ મિલિન્દ જાધવની ખંડપીઠમાં ઔદ્યોગિક ટ્રિબ્યુનલ દ્વારા પસાર કરાયેલા આદેશને પડકારતી બીએમસી કમિશનર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ચાલી રહી હતી જેમાં કોર્ટે તેમને 580 અસ્થાયી કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જાહેર કરવાનો અને તેમને તમામ લાભ આપવાનો નિર્દેશ આપ્યો હતો.
નોંધનીય છે કે ચેમ્બુરના કચરા વાહતુક શ્રમિક સંઘે BMCને તેના 500 કામદારને કાયમી કામદાર બનાવવા માટે વિનંતી કરી હતી. આ કામદારો જાહેર રસ્તાઓની સફાઈ અને કચરો એકત્ર કરવા અને શહેર સ્વચ્છ રાખવાના કામમાં રોકાયેલા છે. યુનિયને કહ્યું હતું કે આ 580 કર્મચારીઓ સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના છે અને તેમની પાસે પાયાની સુવિધાઓ પણ નથી અને આમાંના કેટલાક તો 1996થી બીએમસી સાથે કોઈપણ લાભ વિના કામ કરી રહ્યા છે.
બીએમસીની અરજીને ફગાવી દેતા હાઇકોર્ટે કહ્યું હતું કે બીએમસી પાસે મુંબઈને સ્વચ્છ રાખવાનું કામ છે અને શહેરના રહેવાસીઓ ટેક્સ ચૂકવે છે તેમને સ્વચ્છ વાતાવરણમાં રહેવાનો મૂળભૂત અધિકાર છે.
બેન્ચે કમિશનરની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે આ કામદારોને સમાવવા માટે કોઈ ખાલી જગ્યા ઉપલબ્ધ નથી. બેન્ચે જણાવ્યું હતું કે કોઈ ખાલી જગ્યા ઉપલબ્ધ ના હોય તો ફક્ત એ કારણસર બીએમસી કામદારોનું શોષણ કરવાનું ચાલુ રાખી શકે નહીં. આજના આધુનિક જમાનામાં આ ગુલામીની પ્રથા પુનરાવર્તિત કરવા જેવું છે. આ કામદારો પાયાની સુવિધા પૂરી પાડે છે અને તેમને નોકરીમાં સ્થિરતા આપવાને બદલે બીએમસી તેમનું શોષણ કરવા માટે પોતાની વગ અને વર્ચસ્વને વાપરી રહી છે.
કોર્ટે ઉમેર્યું હતું કે ઘણા કામદારો કચરો સાફ કરતી વખતે ફરજ પર ઘાયલ થાય છે, બીમારીઓ વિકસાવે છે. તેમને કોઈ તબીબી સંભાળ મળતી નથી અને તેમને તેમના ભગવાનના ભરોસે છોડી દેવામાં આવે છે.
બોમ્બે હાઈકોર્ટે BMCને આ 580 કામદારોને કાયમી કરવાનો આદેશ આપ્યો હતો.