અનધિકૃત બાંધકામ કરનારી પુણેની શાળાને રાહત આપવાનો હાઈ કોર્ટનો ઈનકાર…

મુંબઈ/પુણે: ગેરકાનૂની રસ્તો અપનાવવાની આદતનો કોઈ ઈલાજ નથી એમ જણાવી બોમ્બે હાઈ કોર્ટે પુણેની એક શાળાને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. શાળાના અનધિકૃત બાંધકામને તોડી પાડવાના આદેશને પડકારતી અરજીના સંદર્ભમાં અદાલતે આ અવલોકન કર્યું હતું.
ન્યાયમૂર્તિ એ એસ ગડકરી અને ન્યાયમૂર્તિ કમલ ખાટાની ખંડપીઠે આપેલા એક આદેશમાં અવલોકન કર્યું હતું કે શાળામાં અંદાજે બે હજાર વિદ્યાર્થી ભણે છે એ કારણસર અદાલત અધિકારીઓને ગેરકાયદે બાંધકામને અધિકૃત કરવા નિર્દેશ ન આપી શકે.
ખંડપીઠે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં આ સામાન્ય માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાયદે રીતે અને પરવાનગી વિના બાંધકામ ઉભા કરી તેને અધિકૃત કરવાની માંગણી કરી શકે છે. ગેરકાનૂની કામ કરવાની આદતનો કોઈ ઈલાજ નથી.
સખાવતી ધોરણે ચાલતી આર્યન વર્લ્ડ સ્કૂલે પુણે મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના પરિસરમાં અનધિકૃત બાંધકામ તોડી પાડવાના 17 એપ્રિલના આદેશ સામે અદાલતમાં અરજી કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે એકથી દસ ધોરણ માટે ચાલી રહેલી પ્રતિષ્ઠિત શાળામાં આશરે બે હાજર વિદ્યાર્થીઓ ભણે છે. ડિમોલિશનનો આદેશશાળા સંચાલનને સુનાવણી કરવાની મોકો આપ્યા વિના આપવામાં આવ્યો હતો.
(પીટીઆઈ)
આપણ વાંચો: ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ: મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટને જણાવ્યું