બોમ્બે હાઈ કોર્ટે કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા, જાણો શું છે મામલો?
મુંબઈ: પતિની પૂછપરછ ચાલી રહી છે એટલે પત્નીને ઘરમાં પ્રવેશવા નહીં દેવી, એ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવીને તાજેતરમાં બોમ્બે હાઈ કોર્ટે પૂછપરછ કરી રહેલા કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા હતા.
બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને ન્યાયાધીશ ફિરદોશ પુન્નીલાલની ખંડપીઠે ઉક્ત ચુકાદો આપ્યો હતો. ઘર બીજાને નામ કરતાં પહેલાં એનઓસી લેવું પડશે, એવી નોટિસ મોકલવાનો કસ્ટમ્સ વિભાગને અધિકાર જ નથી, એવું પણ હાઈ કોર્ટે જણાવ્યું હતું.
જો કોઇ પણ પ્રકારની વસૂલાત કરવી હોય તો કસ્ટમ્સ અધિકારી આવા પ્રકારની નોટિસ મોકલી શકતો નથી. ફરિયાદીને આપવામાં આવેલી નોટિસ એ કાયદાની રીતે ખોટી છે, એવું નિરીક્ષણ પણ હાઈ કોેર્ટે જણાવ્યું હતું. આ ઉપરાંત ઘરની માલિકી કોની છે એ પણ કસ્ટમ અધિકારી પત્નીને પૂછી નથી શકતા. આ પ્રશ્ન પૂછવાનો અધિકાર માત્ર પોલીસને જ છે, એવી નોંધ પણ કોર્ટે કરી હતી.
બીજી બાજુ ચૌખારાના પતિની પૂછપરછ ચાલી રહી છે અને એ ઘર તેનું છે એવું તેના પતિએ જણાવ્યું હતું. તપાસ ચાલી રહી છે ત્યારે આવી નોટિસ મોકલવી એ કોઇ ગેરકાયદે નથી. આવા પ્રકારની નોટિસ મોકલવાનો અધિકાર ડેપ્યુટી કમિશનરને છે, એવો દાવો કસ્ટમ્સ વિભાગે કર્યો હતો.
શું છે પ્રકરણ
સુપ્રિયા ચૌખારાએ આ કેસમાં અરજી કરી હતી. ચૌખારા પુષ્પા નિકેતન કો-ઓપ. સોસાયટીમાં રહે છે. કસ્ટમ્સના ડેપ્યુટી કમિશનરે (પ્રિવેન્ટિવ) સોસાયટીને જુલાઈ, ૨૦૧૪માં નોટિસ મોકલાવી હતી. એ કેસમાં ચૌખારાના પતિની પૂછપરછ ચાલી રહી છે. સોસાયટીમાં આવેલું તેનું ઘર બીજા કોઇના નામે કરતાં પહેલાં કસ્ટમ્સ વિભાગનું એનઓસી લેવું, એવું નોટિસમાં જણાવવામાં આવ્યું હતું. તેની સામે સુપ્રિયા ચૌખારાએ અરજી કરી હતી. જોકે આ નોટિસ સુપ્રિયાને મોકલવામાં નહોતી આવી, પણ સોસાયટીએ આ નોટિસ બાબતે સુપ્રિયાને જાણ કરી હતી. આ નોટિસને રદ કરવી, એવી માગણી અરજીમાં કરવામાં આવી હતી.
ઘર મારું છે. લોન લઇને મેં ઘર લીધું છે. લોનના હપ્તા હું ભરી રહું છું. મારા પતિની તપાસ ચાલી રહી છે. પતિએ પૂછપરછમાં જણાવ્યું છે કે ઘર તેનું છે. એવું હોવા છતાં કસ્ટમ્સ વિભાગને આવી નોટિસ મોકલવાનો અધિકાર જ નથી. આવા પ્રકારની નોટિસ એટલે કે એક પ્રકારનો અપ્રત્યક્ષ રીતે ઘર પર કબજો. આ નોટિસ ગેરકાયદે છે, એવી દલીલ પત્નીએ કરી હતી.