કામરાનો વીડિયો રી-શેર કરનાર સામે વેર ભાવના સાથેની કાર્યવાહી નહીં કરવી: હાઇ કોર્ટ…

મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ‘ગદ્દાર’ કહીને ઠેકડી ઉડાવતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના વીડિયોને રી-શેરિંગ અથવા રી-લોડિંગ કરનારા કોઇ પણ વ્યક્તિ સામે કડક અથવા વેર ભાવના સાથેની કાર્યવાહી ન કરવામાં આવે એમ બોમ્બે હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો હતો.
કામરા અને વિવાદાસ્પદ વીડિયો શૂટ કરવામાં આવ્યો તે મુંબઈની હોટેલ સામે સરકાર દ્વારા કરાયેલી કાર્યવાહી પર સવાલ ઉઠાવતા ૨૫ વર્ષના લોના વિદ્યાર્થીએ કરેલી જનહિતની અરજીને કોર્ટે સ્વીકારવાની ના પાડી હતી. કોર્ટે નોંધ્યું હતું કે શિંદે સામે ટિપ્પણી કરવા માટે મુંબઈના પોલીસ સ્ટેશનમાં નોંધાયેવી એફઆઇઆરને રદ કરવા માટે કામરાએ પહેલાથી હાઇ કોર્ટમાં અરજી કરી છે.
સંબંધિત વ્યક્તિ (કામરા) છે તેણે આ કોર્ટમાં પહેલાથી અરજી કરી છે. તે ગરીબ અથવા અભણ પણ નથી. તો શા માટે તેની માટે તમે લડો છો? તે રાહત મેળવવા માટે પગલાં લઇ રહ્યા છે, એમ હાઇ કોર્ટે જનહતિ અરજી કરનાર અરજદારને કહ્યું હતું.
લોનો વિદ્યાર્થી હર્ષવર્ધન ખાંડેકર દ્વારા કરાયેલી જનહિત અરજીમાં જણાવાયું હતું કે રાજકીય ભાવનાઓ વ્યક્ત કરવા માટે કોમેડિયન સામે એફઆઇઆર નોંધવામાં આવી છે જે તેના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.
આપણ વાંચો : કુણાલ કામરાની ધરપકડ થશે? મુંબઈ પોલીસ તેના ઘરે પહોંચી