કેન્સરના દર્દીઓને રહેઠાણ પૂરું પાડતા બાંધકામનું તોડવાનું કામ એ નિર્દયીઃ હાઇ કોર્ટ…

મુંબઈ: ટાટા મેમોરિયલ હોસ્પિટલ (ટીએમએચ)માં સારવાર લીધેલા કેન્સરના દર્દીઓને ભોજન અને રહેઠાણ પૂરું પાડનાર એક ચેરિટેબલ ટ્રસ્ટના બાંધકામને તોડી પાડવાની કાર્યવાહીને અત્યાચારી અને નિર્દયભરી ગણાવતા બૉમ્બે હાઇ કોર્ટે મુંબઈ પાલિકાને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
ચોથી એપ્રિલના આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે તે બાંધકામમાં જે લોકો રહેતા હતા તેમને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર અને યોગ્ય તે કાર્યવાહી વગર મુંબઈ પાલિકા દ્વારા આ તોડકામ હાથ ધરવામાં આવ્યું હતું.
કોઇ પણ પ્રકારની સંવેદનશીલતા ન દાખવવા માટે પાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢતા કોર્ટે ચાર અઠવાડિયામાં ફરિયાદીને બે લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
પાલિકાની તોડકામ કાર્યવાહી સામે ચેરિટેબલ સંસ્થા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ટાટા હોસ્પિટલની બાજુમાં આવેલી સંસ્થા શિક્ષણ, સંશોધન અને કેન્સરના દર્દીઓની દેખરેખ રાખવા માટે પરેલ વિસ્તારમાં બહુ પ્રખ્યાત છે અને તેનું બાંધકામ પાલિકા દ્વારા તોડવામાં આવ્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદી મેસર્સ મહેતા એન્ડ કં.ને ઘણું મોટું નુકસાન થયું છે, તેથી તે જ વિસ્તારમાં જેટલું બાંધકામ (૧,૩૧૯ ચો. ફૂટ) તોડી પાડવામાં આવ્યું છે એટલી જ જગ્યા હંગામી ધોરણે આપવાનો પાલિકાને નિર્દેશ કર્યો હતો.
(પીટીઆઇ)
આપણ વાંચો : કામરાનો વીડિયો રી-શેર કરનાર સામે વેર ભાવના સાથેની કાર્યવાહી નહીં કરવી: હાઇ કોર્ટ…