રામનવમીના અનિચ્છનિય બનાવ નહીં બને એની ખાતરી આપોઃ પોલીસને હાઈ કોર્ટનો આદેશ
મુંબઈ: દર વર્ષે રામનવમી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને રામનવમીની યાત્રા પર પથ્થરમારા અને હુમલા જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, આ વખતે રામનવમી દરમિયાન શહેરમાં કાયદા અને વ્યવસ્થાની કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તેની ખાતરી કરવાનો આદેશ બોમ્બે હાઇ કોર્ટે મુંબઈ પોલીસને આપ્યો હતો.
ખાસ કરીને મુંબઈના સંવેદનશીલ વિસ્તારોમાં રામનવમીની શોભાયાત્રા, રેલી કે કાર્યક્રમોને પગલે કોઇ અનિચ્છનિય ઘટના નહીં બને તેની ખાતરી કરવાનું બોમ્બે હાઇ કોર્ટે મુંબઈ પોલીસને કહ્યું હતું. આ ઉપરાંત જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુશા દેશપાંડેની બેન્ચે મીરા રોડમાં વિધાનસભ્ય દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણની તપાસ કરી જો કોઇ કાર્યવાહી કરવાની જરૂર હોય તો કાર્યવાહી કરવાની સૂચના પણ આપી હતી.
હાઇ કોર્ટની આ બેન્ચ ભાજપના વિધાનસભ્યો ગીતા જૈન, નિતેશ રાણે અને તેલંગણના ભાજપના વિધાનસભ્ય ટી.રાજાએ આપેલા ભાષણ વિરુદ્ધ કરવામાં આવેલી અરજીની સુનાવણી હાથ ધરી રહી હતી.
જે દરમિયાન તેમણે મુંબઈ પોલીસને ઉક્ત આદેશ આપ્યો હતો. આ અરજીમાં ભાષણ દેનારા તમામ વિધાનસભ્યો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માગણી પણ કરવામાં આવી હતી.
અરજદાર વતી દલીલ કરતા એડ્વોકેટ કરીમ પઠાણે દાવો કર્યો હતો કે રામનવમી દરમિયાન જાણીબૂઝીને આ રેલીઓ લઘુમતિ વિસ્તારોમાંથી તેમ જ મસ્જિદોની સામેથી કાઢવામાં આવે છે.
બેન્ચે સરકારી પક્ષના વકીલ એડ્વોકેટ જનરલ બિરેન્દર સરાફને સૂચના આપતા જણાવ્યું હતું કે શોભાયાત્રાના રૂટ(રસ્તા) બદલવામાં આવે તેની ખાતરી કરવી, નહીંતર તેના કારણે કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થશે અને તમારે તેમ જ પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડશે.